શહેરમાં મોર્ડન લાઈફસ્ટાઈલ અને હાઈસોસાયટી કલ્ચરના નામે એક ચોંકાવનારો કિસ્સો નવરંગપુરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. એક જાણીતા બિલ્ડરની પત્નીને કિટી પાર્ટીના કારણે દારૂની એવી લત લાગી ગઈ કે તેણે ઘરના રસોડાને જ બાર બનાવી દીધું હતું. રસોડામાં અનાજના ડબ્બામાંથી મોંઘી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવતાં પતિ પણ ચોંકી ઉઠ્યો હતો. પકડાઈ ગયા બાદ પત્નીએ ‘દારૂ તો પીવાની જ છું, થાય તે કરી લો’ કહીને ઘરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. જાકે, ૧૮૧ અભયમ હેલ્પલાઈનની એન્ટ્રી થતાં મામલો થાળે પડ્યો હતો.
મળતી વિગતો મુજબ, નવરંગપુરાના પોશ વિસ્તારમાં રહેતા બિલ્ડરની પત્ની અવારનવાર હાઈસોસાયટીની કિટી પાર્ટીઓમાં જતી હતી. શરૂઆતમાં સામાજિક મેળાવડાઓ અને ફ્રેન્ડ સર્કલમાં મોજ-મસ્તી ખાતર મર્યાદિત પ્રમાણમાં દારૂ પીવાનું શરૂ કરનાર આ મહિલા ધીમે-ધીમે ભારે વ્યસનના રવાડે ચઢી ગઈ હતી. પતિ કે બાળકોને આ વાતની ભનક ન આવે તે માટે તેણે ઘરમાં જ દારૂ સંતાડવાની જગ્યાઓ શોધી કાઢી હતી.
મહિલા પોતાની બહેનપણી પાસેથી મોંઘી બ્રાન્ડની દારૂની બોટલો મગાવતી હતી અને પતિ કામ પર જાય તથા બાળકો બહાર હોય ત્યારે બેડરૂમમાં એકલી જ મહેફિલ માણતી હતી. મોંમાંથી દારૂની દુર્ગંધ ન આવે અને પોતે પકડાઈ ન જાય તે માટે તે રૂમમાં સ્પ્રે પણ છાંટતી હતી. જાકે, પાપનો ઘડો એક દિવસ ભરાય જ છે. તાજેતરમાં પત્ની ઘરે ન હતી ત્યારે પતિ કોઈ કામસર રસોડામાં ગયો હતો. ત્યાં જ ભાંડો ફૂટ્યો.
પતિએ અનાજના ડબ્બા અને સ્ટોરરૂમ તપાસતા તેમાંથી વિદેશી દારૂની મોંઘી બોટલો મળી આવતાં પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પત્ની ઘરે આવતા જ્યારે પતિએ આ અંગે પૂછપરછ કરી, ત્યારે શરમાવાને બદલે પત્ની ઉગ્ર થઈ ગઈ હતી અને ઘરમાં મોટો ઝઘડો આદર્યો હતો. પરિવારમાં તણાવ અસહ્ય બની જતાં અને પત્ની કાબૂ બહાર જતાં આખરે લાચાર બનેલા બિલ્ડરે તાત્કાલિક ‘૧૮૧ અભયમ’ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી.
અભયમની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. કાઉન્સિલર્સે પતિ અને પત્ની બંનેને અલગ-અલગ બેસાડીને લાંબુ કાઉન્સેલિંગ કર્યું હતું. આ દરમિયાન મહિલાએ સ્વીકાર્યું હતું કે તે અત્યાર સુધીમાં તેની સખી પાસેથી ૫ જેટલી મોંઘી બોટલો મગાવી ચૂકી છે અને કિટી પાર્ટીના રવાડે ચઢીને જ તેને આ લત લાગી છે.
અભયમ ટીમે દારૂના આ વ્યસનથી તેના હસતા-રમતા પરિવાર અને બાળકોના ભવિષ્ય પર થનારી ઘાતક અસરો અંગે સમજાવતા આખરે મહિલાની આંખો ખુલી હતી. તેણે પોતાની ભૂલ સ્વીકારીને ભવિષ્યમાં ક્યારેય દારૂ ન પીવાની અને વ્યસન છોડવાની ખાતરી આપતા બિલ્ડર પરિવારમાં અંતે સુખદ સમાધાન થયું હતું.