વડોદરા શહેરમાં અંધશ્રદ્ધાનો લાભ લઈને લોકો સાથે ઠગાઈ કરતી એક ચોંકાવનારી ટોળકીનો કપુરાઈ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ટોળકી દ્વારા ‘સુલેમાની પથ્થર’ નામે એક સામાન્ય પથ્થરને ચમત્કારી ગણાવીને સામાન્ય નાગરિકો પાસેથી લાખો રૂપિયા પડાવવા કારસો રચ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસની સતર્કતાને કારણે આ ટોળકીના ૩ શખ્સ પકડાઈ ગયા છે, જેઓ આ પથ્થરને ૨૦ કરોડ રૂપિયામાં વેચવાનો મોટો સોદો કરી રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, આરોપીઓ ફરિયાદીને પથ્થર રાખવાથી શરીર પર હથિયારની અસર ન થાય તેવી ખોટી લાલચ આપતા હતા. આ વાતનો વિશ્વાસ બેસાડવા માટે તેમણે ફરિયાદીને પથ્થરની કથિત ચમત્કારી શક્તિનો ડેમો પણ બતાવ્યો હતો. આ ઠગ ટોળકીએ ફરિયાદી પાસેથી શરૂઆતમાં ૫૦,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ જ્યારે ફરિયાદીએ પૈસા આપવાનો ઈનકાર કર્યો, ત્યારે આરોપીઓએ તેમને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી હતી.
આ સમગ્ર મામલે ફરિયાદીએ કપુરાઈ પોલીસનો સંપર્ક કરતા પોલીસ દ્વારા તાત્કાલિક ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસે કપુરાઈ ચોકડી વિસ્તારમાંથી આ ઠગ ટોળકીના ૩ સભ્યોને રંગેહાથ ઝડપી લીધા હતા. શખ્સો કાળા પથ્થરને સુલેમાની પથ્થર કહીને ૨૦ કરોડમાં વેચવાનું કાવતરું ઘડી રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કાળો પથ્થર, મોબાઈલ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ પોલીસે નાગરિકોને આવી અંધશ્રદ્ધાળુ લાલચોથી દૂર રહેવા અપીલ કરી છે.