ઇઝરાયલી સેનાએ દક્ષિણ લેબનોનમાં આશરે ૧૫૦ હિઝબુલ્લાહના લક્ષ્યો પર મોટા પાયે હુમલા શરૂ કર્યા છે. મધ્યસ્થી અહેવાલો વચ્ચે, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ઢીલા પડી રહ્યા નથી. અમેરિકાની મધ્યસ્થીવાળી વાટાઘાટો દરમિયાન બંને દેશો શરતી યુદ્ધવિરામ પર સંમત થયાના થોડા દિવસો પછી, દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હુમલામાં ઉચ્ચ કક્ષાના લેબનીઝ સૈન્ય અધિકારીઓ સહિત ઓછામાં ઓછા ૧૨ લોકો માર્યા ગયા છે.
લેબનીઝ સેનાએ જણાવ્યું હતું કે ખારદાલી-નબાતીહ રોડ પર લશ્કરી વાહન પર ઇઝરાયલી હુમલામાં એક બ્રિગેડિયર જનરલ, એક કેપ્ટન અને એક સૈનિક માર્યા ગયા હતા. ઇઝરાયલી સેનાએ એમ પણ કહ્યું હતું કે શનિવારનો હુમલો “સક્રિય લડાઇ ક્ષેત્રમાં” થયો હતો.
લેબનીઝ સેનાએ કહ્યું હતું કે ઇરાદાપૂર્વક અને વારંવાર ક્રૂર ઇઝરાયલી આક્રમણનો હેતુ ઉકેલ સુધી પહોંચવાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવવાનો છે. લેબનીઝ રાષ્ટ્રપતિ જાસેફ આઉને હુમલાની નિંદા કરી, તેને લેબનીઝ સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને ધોરણોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું. લેબનીઝ વડા પ્રધાન નવાફ સલામે પણ હુમલાની નિંદા કરી.
એક નિવેદનમાં, પીએમ નવાફ સલામે બ્રિગેડિયર જનરલ વસમ સાબ્રા, કેપ્ટન એલી ખૌરી અને સૈનિક હુસૈન ગોઝલના પરિવારો અને સાથીદારો તેમજ લેબનીઝ સેના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
તાજેતરમાં, ઇઝરાયલી વાયુસેનાએ પૂર્વીય બેકા ખીણ સહિત લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે જાડાયેલા સ્થળોને નિશાન બનાવ્યા. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ લેબનીઝ ઉગ્રવાદી જૂથો સામે હુમલાઓ વધુ તીવ્ર બનાવવાની પ્રતિજ્ઞા લીધી. દક્ષિણ લેબનોન અને ઉત્તરી ઇઝરાયલમાં ઇઝરાયલી દળો પર હિઝબુલ્લાહના ફાઇબર-ઓપ્ટીક ડ્રોન હુમલાઓના તાજેતરના અઠવાડિયા વચ્ચે નેતન્યાહૂની ચેતવણી આવી છે.








































