વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાંકલ ગામે એક સનસનીખેજ ઘટના સામે આવી હતી. ગામના હિતેન્દ્રસિંહ પરમારની આંબાવાડીમાં ૨-૬-૨૦૨૫ના રોજ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન મૃતકની ઓળખ તુલસીબેન પટેલ તરીકે થઈ હતી.પ્રાથમિક તપાસમાં મૃતકના શરીર પર કોઈ ગંભીર ઇજાના નિશાન જાવા મળ્યા નહોતા. જેના કારણે શરૂઆતમાં આ બનાવ કુદરતી મોત કે અકસ્માત હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જાકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા સમગ્ર મામલાએ નાટકીય વળાંક લીધો હતો.તુલસીબેનના મોતના સમાચારથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પરંતુ જ્યારે હત્યાની હકીકત સામે આવી ત્યારે પરિવાર પર દુઃખનો વધુ એક પહાડ તૂટી પડ્યો હતો.
વાંકલ ગામની આંબાવાડીમાં થયેલી આ હત્યાનો ભેદ ઉકેલવો પોલીસ માટે પડકારરૂપ બન્યો હતો. ઘટનાસ્થળેથી કોઈ ખાસ પુરાવા મળ્યા નહોતા અને હત્યાનું કારણ પણ સ્પષ્ટ નહોતું. જાકે વલસાડ એલસીબી, એસઓજી અને ગ્રામ્ય પોલીસની સંયુક્ત તપાસે આખરે સમગ્ર રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું કે હિતેન્દ્રસિંહ પરમારની આંબાવાડી ગૌતમ સોલંકીને ભાડે આપવામાં આવી હતી.
કેરીની સિઝનમાં ગૌતમ સોલંકી અને તેનો સગીર ભત્રીજા સમગ્ર બગીચાની દેખરેખ રાખતા હતા. પાકેલી કેરીઓ તોડવા માટે આસપાસના લોકો વારંવાર વાડીમાં ઘૂસી જતા હોવાથી સગીર ભત્રીજા આ બાબતે ખૂબ કડક વલણ અપનાવતો હતો.બનાવના દિવસે તુલસીબેન પટેલ પણ કેરી તોડવા માટે આંબાવાડીમાં પહોંચ્યા હતા. ત્યારે સગીર આરોપી અને તુલસીબેન વચ્ચે બોલાચાલી થઈ હતી.
કેરી તોડવાની બાબતે થયેલા વિવાદ દરમિયાન સગીર આવેશમાં આવી ગયો હતો અને તેણે તુલસીબેનનું ગળું દબાવી મોત નીપજાવ્યું હતું.ઘટના બાદ આરોપીએ કોઈને શંકા ન જાય તે માટે સ્થળ પરથી નીકળી ગયો હતો. પરંતુ ટેકનિકલ સર્વેલન્સ, માનવ સૂત્રો અને સતત પૂછપરછના આધારે પોલીસે આખરે સગીર આરોપીને ઝડપી પાડી સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો છે
માત્ર કેરી તોડવા જેવી નજીવી બાબતે એક મહિલાની હત્યા થઈ જવી સમાજ માટે ચિંતાજનક ઘટના છે. નાની નાની બાબતોમાં ગુસ્સો અને આક્રમકતા કેટલી ગંભીર ઘટના સર્જી શકે છે તેનું આ ઉદાહરણ છે. એક તરફ મૃતક તુલસીબેનનો પરિવાર હત્યાનું કારણ જાણીને ભારે આઘાતમાં છે. તો બીજી તરફ આરોપી સગીરના પરિવાર પર પણ દુઃખનું વાદળ છવાઈ ગયું છે. એક ક્ષણના આવેશે એક પરિવારની માતા છીનવી લીધી છે અને બીજા પરિવારના સગીરનું ભવિષ્ય અંધકારમય બનાવી દીધું છે.હાલ વલસાડ ગ્રામ્ય પોલીસે સગીર આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ કેરી તોડવા જેવી સામાન્ય બાબતે થયેલી આ હત્યાએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.






































