અમદાવાદમાં આર્થિક ગુનાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોટા અધિકારીઓ, રાજકીય આગેવાનો અને જાણીતી હસ્તીઓ સાથેના ફોટા બતાવી લોકોને પ્રભાવિત કરી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર દંપતીને પોલીસે ઝડપી પાડ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દંપતીએ અનેક લોકોને વિશ્વાસમાં લઈ અંદાજે ૨૦ કરોડ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અનિલ વિભાણી અને તેની પત્ની વિમ્મી વિભાણીએ વર્ષોથી લોકોને મોટા નફા, વિદેશમાં અટવાયેલા નાણાં પરત અપાવવાની ખાતરી અને ઊંચા સ્તરે ઓળખાણ હોવાના દાવા કરીને પોતાની જાળમાં ફસાવ્યા હતા.
આરોપીઓ વિવિધ સરકારી અધિકારીઓ અને પ્રભાવશાળી વ્યકતીઓ સાથેના ફોટોગ્રાફ્સ બતાવી પોતાનો પ્રભાવ હોવાનું દર્શાવતા હતા. આ રીતથી તેઓ ભોગ બનનાર વ્યકતીઓનો વિશ્વાસ જીતતા અને પછી અલગ-અલગ બહાના હેઠળ મોટી રકમ મેળવતા હતા.એક કેસમાં તેમણે કેનેડામાં અટવાયેલા કરોડો રૂપિયા પરત અપાવવાની લાલચ આપી એક વ્યકતી પાસેથી કરોડો રૂપિયાની રકમ મેળવી હોવાનું સામે આવ્યું છે.
તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ મુખ્ય આરોપી અનિલ વિભાણી અગાઉ સામાન્ય નોકરી અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલો હતો. બાદમાં ઝડપથી આર્થિક લાભ મેળવવાની લાલચમાં તે ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળ્યો હતો.પોલીસે દંપતી સામે અનેક ગંભીર આક્ષેપોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અંદાજ મુજબ ૧૫થી વધુ લોકો આ ઠગાઈનો ભોગ બન્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં દંપતી સાથે જાડાયેલી અનેક વૈભવી કારો જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત અનેક બેંક ખાતાઓ અને લોકરોને પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓ હાલ નાણાંના વ્યવહારો, સંપત્તિના સ્ત્રોત અને અન્ય સંભવિત ભોગ બનનારાઓ વિશે માહિતી એકત્ર કરી રહી છે. સમગ્ર મામલે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસ માને છે કે આ કેસ માત્ર એક શહેર પૂરતો મર્યાદિત નથી અને અન્ય રાજ્યો સાથે પણ તેની કડીઓ જાડાયેલી હોઈ શકે છે. હાલ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને વધુ પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.







































