ગોંડલ તાલુકાના શેમળા ગામેથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક વાડી નજીક આવેલા તળાવમાં ડૂબી જવાથી એક જ શ્રમજીવી પરિવારના ત્રણ માસૂમ બાળકોના સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યા છે. જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. આ કાળમુખી ઘટનાને પગલે સમગ્ર શેમળા પંથકમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, શેમળા ગામે આવેલી એક વાડી નજીકના ઓરિયા તળાવ પાસે ચાર બાળકો રમી રહ્યા હતા. રમતા-રમતા અચાનક ચારેય બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બાળકો ડૂબતા હોવાની જાણ થતાં જ વાડી માલિક અને પરિવારના સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત અને મથામણ બાદ ચારેય બાળકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાયા હતા.
શ્રમજીવી પરિવારના આ ચારેય બાળકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ત્રણ માસૂમ બાળકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. એકસાથે ત્રણ-ત્રણ વહાલસોયા બાળકોના મોતથી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને માતા-પિતાના કરુણ આક્રંદથી હોસ્પિટલની દિવાલો પણ ધ્રુજી ઊઠી હતી. ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચોથા બાળક ‘સાહિલ’ની તબિયત વધુ લથડતા તેને તાકીદે વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તે જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાતો હોવાનું જાણવા મળ્યું છે.
આ આકસ્મિક આપત્તિના સમયે સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક સંસ્થા ‘શિવમ ટ્રસ્ટ’ની ટીમ તાત્કાલિક હોસ્પિટલ અને પીડિત પરિવારની વહારે દોડી આવી હતી. શિવમ ટ્રસ્ટ અને અગ્રણીઓએ શોકાતુર પરિવારને સાંત્વના પાઠવી હતી અને આ કપરા સમયમાં તેમને જરૂરી તમામ મદદ અને સહયોગ પૂરો પાડ્યો હતો. એક જ શ્રમજીવી પરિવારના ત્રણ આશાસ્પદ બાળકોના અકાળે અવસાનથી શેમળા ગામ સહિત સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. રમતા રમતા કાળનો કોળિયો બનેલા આ માસૂમોના મોતથી સ્થાનિકોની આંખો પણ ભીની થઈ ગઈ છે.