સાવરકુંડલા-મહુવા હાઈવે પર વીજપડી અને ખડસલી વચ્ચે આવેલ ઉજળિયા હનુમાનજી આશ્રમ પાસેના જોખમી વળાંક પર ટ્રક અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં મહુવાના રહેવાસી ૨૫ વર્ષીય યુવાન રોહિતભાઈ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક ૧૦૮ મારફતે મહુવાની એસ.ઓ.એસ. હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ માથાના ભાગે હેમરેજ અને પગમાં ફ્રેક્ચર જણાતા વધુ સારવાર અર્થે ભાવનગર રિફર કરાયા છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, હાઈવેના આ વળાંક પર મોટું વડલાનું વૃક્ષ આવેલું હોવાથી સામેથી આવતાં વાહનો દેખાતા નથી. અગાઉ પણ આ વૃક્ષ હટાવવા રજૂઆતો કરવા છતાં તંત્રની ઘોર બેદરકારીને કારણે વધુ એક યુવાન અકસ્માતનો ભોગ બન્યો છે, જેને પગલે તંત્ર સામે ભારે જનઆક્રોશ જોવા મળી રહ્યો છે.