અમરેલી જિલ્લાના રાજુલા એસટી ડેપોમાં અધિકારીઓના અણધડ વહીવટને કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તારીખ ૩૧.૦૫.૨૦૨૬ના રોજ વહેલી સવારે ૪ઃ૫૫ કલાકે ઉપડતી રાજુલા-ભાવનગર બસ બે કલાક મોડી, એટલે કે સવારે ૦૬ઃ૧૦ કલાકે ઉપડતા મુસાફરો અટવાયા હતા. ડેપો મેનેજરને ટેલિફોનિક જાણ કરવા છતાં કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોતી. રાજુલા ડેપોમાં લાંબા સમયથી આવી અવ્યવસ્થાઓ ચાલી રહી છે, જેમાં રાજુલા-જુનાગઢ બસ બંધ કરી દેવાઈ છે અને રાજુલા-રાજકોટ બસનો રૂટ પણ અવારનવાર કાપી નાખવામાં આવે છે. સ્થાનિકોની રજૂઆતો સામે ડેપો મેનેજર સ્ટાફ કે વાહનોની ઘટ હોવાના બહાના ધરી રહ્યા છે. આ ઉપરાંત, કાળઝાળ ગરમી વચ્ચે ડેપોનો વોટર ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી લોકોને ગરમ પાણી પીવા મજબૂર થવું પડે છે. વિશ્વ હિન્દુ પરિષદના સહ તંત્રી ભાવેશભાઈ ગોહિલે ચીમકી આપી છે કે જો આ વહીવટ તાકીદે સુધારવામાં નહીં આવે, તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.










































