ધોરાજીના બહારપુરા કુરેશી રોડ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે.
મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર ઈદ નજીક હોવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ સફાઈ કામગીરી કરવામાં આવી નથી. રોડ પર ગટરનું ગંદુ પાણી ફરી વળતાં અસહ્ય દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સામાજિક આગેવાન સેહબાજ ચિશ્તીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે નગરપાલિકા દ્વારા સફાઈ બાબતે લાખો રૂપિયાના બિલ ઉધારવામાં આવે છે, છતાં ધોરાજીમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે માત્ર કાગળ પર જ વિકાસના દાવા થાય છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જો ઈદ પહેલાં ગટરલાઈનની કાયમી મરામત નહીં થાય તો સ્થાનિક લોકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.