લીલીયા મોટા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. એમ.ડી. સાળુંકેની સૂચના અને પી.એસ.આઈ. વાય.એમ. જાડેજાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તેવા આશયથી હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ લીલીયા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવાનો તેમજ તમામ ધર્મના લોકો પરંપરાગત રીતે હળીમળીને તહેવાર મનાવે તે માટેનો હતો. પી.એસ.આઈ. જાડેજાએ નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી. સ્થાનિક આગેવાનોએ પણ વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે.









































