ડુંગર ગામે વાડીમાં ફસાઈ ગયેલી ગાડીને બહાર કાઢવા માટે ટ્રેક્ટર લાવવાની ના પાડતા ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે અશીરભાઇ અલારખભાઇ ગાહા (ઉ.વ. ૪૦) એ સાહીદભાઇ ઉર્ફે મુજો બચુભાઇ ગાહા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ મુજબ, અશીરભાઇ પોતાની વાડીએ કામ કરતા ભાગિયાનું ટિફિન આપવા માટે ગયા હતા. આ દરમિયાન આરોપીની ગાડી તેમની વાડીની જમીનમાં ફસાઈ ગઈ હતી.ગાડી ફસાઈ જતાં આરોપીએ તેમને કહ્યું કે, “તમારું ટ્રેક્ટર લઈ આવો, મારું મેજિક ફસાઈ ગયું છે તેને બહાર કાઢવું છે.” અશીરભાઇએ ટ્રેક્ટર લાવવાની ના પાડતા જ આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને જેમ ફાવે તેમ બેફામ ગાળો આપવા લાગ્યો હતો. ઉપરાંત, “હવે પછી જો તું બીજી વખત મને સામો મળ્યો તો તને જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એ. એ. ચૌહાણ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.