ગીર જંગલથી મોટી ઘટના આવી છે. અમરેલીમાં ધારી ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગમાં સી.ડી.વી અને બેબસિયા જેવા ભેદી રોગથી ૮ થી વધારે સિંહોના મોત નિપજ્યા છે. ૮ વર્ષ પૂર્વે ૨૩ સાવજા જેનો ભોગ બનેલા એ બીમારીની ફરીથી ગીર જંગલમાં એન્ટ્રી થતા મે વન વિભાગ હાઈ એલર્ટ પર આવી ગયુ છે. ગીરના સિંહોમા ફરી બેબસિયા અને સી.ડી.વીનો રોગચાળો ફાટેલો જોવા મળ્યો છે.
ગીરના સિંહોમા બેબસિયા અને સી.ડી.વી (કેનાઈન ડિસ્ટેમ્બર વાયરસ ) નો રોગચાળો એવો પ્રસરી ગયો કે, ૩ સિંહબાળ અને ૫ સિંહોના મોત નિપજ્યા છે. બેબસિયાથી સિંહોને બચાવવા વન વિભાગ દ્વારા સતત મોનિટરીંગ ચાલુ છે. ધારીના સરસિયા રેન્જમાંથી ૮ સિંહના ગૃપને રેસ્ક્યુ કરી ઓબ્ઝર્વેશનમા રાખવામાં આવ્યા છે.
૮ વર્ષ પૂર્વે ૨૩ સાવજા જેનો ભોગ બનેલા એ બીમારી સામે વન વિભાગ હાઈ એલર્ટ પર આવી ગયું છે. ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જના ગીર ગઢડા બોર્ડર પર એક જ દિવસમાં બે સિંહના કોઈ ભેદી રોગથી મોત નિપજ્યા છે. તો ગીર પશ્ચિમની બાબરીયા અને જામવાળા રેન્જમાં બે થી વધારે સિંહના મોત થયા છે. લીલીયા રેન્જમા ૧ સિંહ બાળ, સાવરકુંડલા રેન્જમાં ૧ સિંહ બાળ, સરસિયા રેન્જ ૧ સિંહ બાળનું મોત નિપજ્યું છે.
હાલ વનવિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાં સિંહોના ગૃપને લક્ષણો મુજબ જુદા પાડી પકડી અને સમ્પલિંગ પ્રક્રિયા ચાલુ છે. વન વિભાગ દ્વારા અશકત અને નબળા સિંહોને પકડી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી રહ્યા છે. સિંહના આખા ગ્રુપને પાંજરે પૂરી એનિમલ ડોક્ટર દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે સિંહ ગણતરી બાદ ખાંભા, રાજુલા,જાફરાબાદ વિસ્તારમાં ૧૫ થી વધારે સિંહના બીમારીને કારણે મોત થયા હતા. વર્ષ ૨૦૧૮માં દલખાણીયા રેન્જમાં સી.ડી.વી નામના રોગથી ૨૯ થી વધારે સિંહના મોત નિપજ્યા હતા. તો ૨૦૨૦-૨૦૨૧ માં પણ ધારી તેમજ ખાંભા ગીર આસપાસ બેબસિયા નામનો ભોગ આવ્યો હતો અને ૧૦ થી વધારે સિંહના મોત થયા હતા.
ગીરમા સિંહોના મૃત્યુ અંગે રાજ્ય વન વિભાગા પીસીસીએફ જયપાલે સિંહે કહ્યું કે, છેલ્લાં એક અઠવાડિયામાં ૫ સિંહોના મૃત્યુ થયા છે. હાલ ચિંતાનું કારણ નથી, માત્ર ૨ સિંહ બાળના જ રોગચાળાના કારણે મૃત્યુ થયું છે. સિંહ બાળની ઇમ્યુનિટી ઓછી હોય છે. જેના કારણે તેમને આ રોગની અસર જલ્દી થાય છે. ન્યુમોનિયા અને ફેફસામા પાણી ભરાઈ જવાના કારણે ૨ સિંહ બાળના મૃત્યુ થયા છે. જ્યારે ૨ સિંહોના કુદરતી મૃત્યુ થયાછે. ૧ સિંહનું ઇન ફાઈટમાં મૃત્યુ થયું છે. હાલ સિંહોને આઇસોલેટ કરવામાં આવી રહ્યા છે. કોઈ લક્ષણો જણાય તો ત્વરિત સિંહોને સારવાર આપવામાં આવી રહી છે.
અમરેલી જિલ્લાને ડાલામથ્થાનું ગઢ માનવામાં આવે છે. અહીં ગમે ત્યારે ચાલતા ચાલતા તમને સિંહોનો ભેટો ક્યારે થઈ જાય તે કહેવાય નહિ. તેમાં પણ ખેતરોમાં, સીમમાં તો સિંહોનો અડિંગો જમાવેલો હોય છે. આવામાં સિંહોના આ જ ગઢમાં હવે તેઓ અસુરક્ષિત બન્યા હોય તેવુ લાગી રહ્યુ છે. ડાલામથ્થાના આ ગઢમાં સિંહની પાછળ જાણે મોત પડ્યુ છે. અત્યાર સુધી ૮ થી વધુ સિંહોના મોત થયા હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય ચે કે, ભૂતકાળમાં કેનાઈન ડિસ્ટેમ્બર વાયરસ અને બેબસિયા રોગ સિંહનો ભોગ લઈ ચુક્યા છે. આ વાયરસ શ્વાનની લાળને કારણે ફેલાય છે. લાળમાંતી નીકળતો આ વાયરસ જંગલમાં અન્ય વન્ય જીવોમા ફેલાય છે.








































