દામનગરમાં વૈજનાથ મહાદેવ અને ગાયત્રી મંદિર નજીકના મુખ્ય માર્ગ પર નવા બનેલા નાળા નીચે થોડા દિવસોથી પાઈપલાઈન તૂટી ગઈ છે. આ કારણે ત્યાં ગંદા પાણીનો ભારે ભરાવો થયો છે અને સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. સ્થાનિક સ્તરે કચરાના ઢગલા ખડકાઈ જવાથી ચોમાસું શરૂ થાય તે પહેલાં જ ભયંકર રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે. નગરપાલિકાના નવનિર્વાચિત પ્રતિનિધિઓ આ ગંભીર બાબતને ધ્યાને લઈ, લોકોના આરોગ્ય અને સુખાકારી માટે તાકીદે પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરે અને આ ગંદકી તેમજ ભરાયેલા પાણીની સમસ્યાનો કાયમી નિકાલ કરે તેવી લોકમાંગ ઉઠી છે.







































