અમદાવાદમાં મેટ્રોમોનિયલ સાઇટ મારફતે જીવનસાથી શોધતી એક ડાયવોર્સી યુવતી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવકે પોતાની જાતને છૂટાછેડા લીધેલ હોવાનું જણાવી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો અને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં યુવક પહેલેથી જ પરિણિત અને બે બાળકોનો પિતા હોવાનું બહાર આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રહેતી એક યુવતીએ વર્ષ ૨૦૨૫ દરમિયાન પુનઃલગ્ન માટે મેટ્રોમોનિયલ સાઇટ પર પોતાની પ્રોફાઇલ બનાવી હતી. આ દરમિયાન સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પ્રકાશ ડોંડા નામના યુવકે તેનો સંપર્ક કર્યો હતો.પ્રકાશે યુવતીને જણાવ્યું હતું કે તેના વર્ષ ૨૦૨૨માં છૂટાછેડા થઈ ગયા છે અને તે પણ નવા જીવનસાથીની શોધમાં છે. બંને વચ્ચે વોટ્સએપ પર વાતચીત શરૂ થઈ હતી અને બાદમાં મુલાકાતોનો દોર આગળ વધ્યો હતો.
સૌપ્રથમ બંને અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં મળ્યા હતા. ત્યારબાદ યુવતી સુરત પણ ગઈ હતી, જ્યાં આરોપીએ પોતાનું ઘર બતાવી વધુ વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો. સંબંધો વધુ ગાઢ બનતા યુવકે લગ્ન કરવાની ખાતરી આપી યુવતીને વિસનગરના એક મંદિરે લઈ ગયો હતો.
આરોપ મુજબ, મંદિરમાં યુવતીની માંગમાં સિંદૂર ભરી તેને પત્ની તરીકે સ્વીકારવાનો ઢોંગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી હોટલમાં લઈ જઈ લગ્નના વચનો આપી શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા.થોડા સમય બાદ યુવકે યુવતીના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. શંકા જતા યુવતી સીધી સુરત સ્થિત આરોપીના ઘરે પહોંચી હતી, જ્યાં તેને ચોંકાવનારી હકીકત જાણવા મળી હતી. આરોપી પોતાની પત્ની અને બે બાળકો સાથે રહેતો હોવાનું સામે આવ્યું હતું.
આ ઘટના બાદ યુવતી અને આરોપીની પત્ની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને મામલો સ્થાનિક પોલીસ સુધી પહોંચ્યો હતો. આખરે ભોગ બનનાર યુવતીએ અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે આરોપી પ્રકાશ ડોંડા સામે લગ્નની ખોટી લાલચ આપી દુષ્કર્મ અને છેતરપિંડી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.









































