બુધ્ધને કે મહાવીરને કદી એવો વિચાર પણ ન આવ્યો કે જેના કલ્યાણ માટે તેઓ તપ કરે છે એ માણસજાતમાં કોઈ પાત્રતા નથી. તેમણે યોગ્યતા જોયા વિના સહુની પર અમૃત વર્ષા કરી અને એમ લાખો લોકો ધન્ય થયા. જેમણે કારણે કે અકારણે બીજાઓનું સદાય કલ્યાણ જ કરવું છે એમનું એકાન્ત મહાન સાધુપુરુષો કે ઈન્દ્રાદિક દેવો જેવું વિશુધ્ધ હોય છે. રામ એમના અવતારના આયુષ્યકાળમાં જેટલા યુધ્ધ બહાર લડ્‌યા છે એનાથી ક્યાંય અધિક યુધ્ધ તો તેઓ પોતાની ભીતર લડ્‌યા છે. અને રામના ભીતરી યુધ્ધોની તો અણકથિત એક અલગ જ રામાયણ છે. એ જ રીતે આપડે દરેક મનુષ્યો પણ મનના મોરચે એક સાથે અનેક જંગ છેડી બેઠાં હોઈએ છીએ. એ હદ અને સરહદ જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી અનહદમાં કેમ પ્રવેશ થાય ? અને અનહદને ઓળખ્યા વિના એકાંતવિશુધ્ધરૂપે માણી શકાતું નથી.
અનેક લોકો વાનરવૃત્તિથી એકાન્તે પોતાના ઘા પર જ નખ ફેરવે છે ને એ રીતે જગતે આપેલા ઘા ને જાતે જ વધુ ગહેરો કરે છે. વાનરને ક્યાંય ઈજા થાય તો પછી એનું
મૃત્યુ નિશ્ચિત હોય છે. કારણ કે જરાક જેટલી ઈજાને એ ભીષણ અને વિકરાળ બનાવી મૂકે છે. અભાવો અને આઘાતોને મમળાવતી કે ચોકલેટની જેમ ચગળતી વ્યક્તિએ પતન માટે કોઈ ઠેશ ખાવાની જરૂર નથી કારણ કે એ સ્વયંથી જ સ્વયંને પછાડે છે. એવા લોકોને શત્રુની પણ જરૂર હોતી નથી. એની સામે એક વર્ગ એવો છે જે એકાંતે તરંગોમાં જ વિહાર કરે છે. વિચાર અને તરંગમાં તફાવત છે. તરંગો જે રીતે ઉછળે એ જ રીતે પાછા શમી જાય. તરંગો આવે અને જાય. પરંતુ વિચારમાં અખંડ શક્તિ છે. એટલે જ કહેવાય છે કે કોઈ પણ શુભ વિચારને આ બ્રહ્માન્ડની શક્તિનું સમર્થન મળે છે.
આજે એકાંતમાં જે ચિંતવન કરો એ જ આગળ જતાં તમારા ચિત્તવન પર છવાઈ જાય છે. આજના વિચારો આપણી આવતીકાલને ઘડે છે. લોકો આવતીકાલ માટે બહુ સારી કલ્પનાની ચાહના ભલે રાખે પરંતુ એને અનુરૂપ જો તેઓનો વિચારલોક ન હોય તો એક પણ સપનું સાકાર થતું નથી. કેટલાક લોકો એમ માને છે કે વિચારથી શું.? પરંતુ ખરેખર તો વિચાર જ ઘટનાઓમાં રૂપાંતરિત થવાના હોય છે. એકાંતનો જેને અનુરાગ હોય એ સાધુતાના રસ્તે આગળ ધપી શકે. ખરા સાધુને કોઈનોય સંગ ન ખપે. ન શિષ્યોનો કે ન ગુરુજનોનો. હિમાલયમાં આજે પણ અનેક એવા અસંગ સાધુઓ છે. જે એકાંતનું જ પાન કરે છે.
આપણે માટે એકાંત એટલું સુગમ નથી. લોકો ટ્રેનના પ્રવાસમાં પણ શાંતિથી બેસી શકતા નથી. ગમે તેની સાથે વાતોના તડાકા ચાલુ કરી દે છે. કેટલાક લોકોને કોઈ પણ કામકાજ વિના જુદા જુદા લોકોને ફોન કરીને વાતોના વડા બનાવવામાં એટલો રસ હોય છે કે તેમના પગ નીચેથી સાપ પસાર થતો હોય તો પણ એમનું ધ્યાન ન પડે. જે રીતે ઘરનો ભૂખ્યો આ દુનિયામાં ક્યાંય ધરાય નહિ એ રીતે જાતના દુઃખ્યા ગમે તેટલા બહાર ભટકે પણ એમ સુખ કંઈ પારકે ટોડલે ટિંગાયેલું જડવાનું હોતું નથી. માણસ જાત બહુ જ અજબ છે. પહેલા અભિમાન પછી એમાં ભૂલ અને પછી એનો દોષ બીજાને આપવાની પ્રયુક્તિ. ખરેખર આ સંસારમાં વિવેક જેવું ટોનિક એકેય નથી. રોજ સવારે એક એક ચમચી મગજમાં ઉતારીએ તો આખો દિવસ લીલ્લોછમ થઈ જાય. પણ એકાંતની ઉપાસના વિના વિવેકનો અંતઃકરણે પ્રાદુર્ભાવ થવો આસાન નથી. નડિયાદમાં પૂજ્ય મોટાએ આખા ગુજરાતને એકાંતનો બોધ આપ્યો. તેઓ પોતે એકાન્તના અખંડ ઉપાસક. એમને કારણે ઘણા લોકો એકાંત તરફ વળ્યા. એકાન્તનો બીજો એક ઉપાય મૌન પણ છે. બધા વચ્ચે હો તો પણ મૌન જ તમને ટોળા વચ્ચેય એકાંત આપે. કેટલાક લોકો મૌન રહે અને પાટી પેન સાથે રાખે. આખો દિવસ એમાં લખલખ કરે. આવા નાટ્યાત્મક એકાંતનો કોઈ અર્થ નથી. મૌન તો છે જ મનને શાંત કરવા માટેની ઔષધિ. હવે જો તમારી લખાપટ્ટી ચાલુ જ રહેવાની હોય તો એ એક પ્રકારની લિખિત બકબકાવલિ જ છે.