કેટલાક લોકો હજી પણ બાળકોને બાળક માનવાની ભૂલ કરે છે. આજના તમામ બાળકો અગાઉની પેઢીનાં બાળકો કરતાં અનેકગણા બુધ્ધિશાળી છે. આ વાત આમ તો સહુ જાણે છે પણ પછી ભુલી જાય છે. દાંપત્યજીવનમાં પતિ અને પત્ની વચ્ચે મનમેળ ન હોય તો બાળકોને એનો પૂરેપૂરો લાભ લેતા આવડતો હોય છે. આજે જે લોકો ભણી ગણીને પુખ્ત થયા પછી પણ નોકરી કરી શકતા નથી, પોતાની કમાણી કરતા નથી તેવા લોકોના બાળ જીવનના વરસો બહુ તંગદિલીમાં પસાર થયા હોય છે. આપણે ત્યાં ઘણાં દંપતી છે કે જેમાં બેમાંથી એકનો સ્વભાવ બહુ જ ટકટક કરવાનો હોય છે.
એને કારણે ઘરનું વાતાવરણ ડહોળાય છે. થોડીવાર થાય ને પÂત્ન કહે કે તમે ફરી આ જુનો શર્ટ કેમ પહેર્યો ? અથવા તો હું ત્રણ દિવસથી કહું છું તો તમે કોલગેટ લાવવાનું કેમ ભૂલી જાઓ છો? જાવ, અત્યારે ને અત્યારે લઈ આવો. અથવા તો તમને બટેટા ભાવે એટલે શું મારે રોજ બટેટાનું શાક કરવું એમ? આ કંઈ હોટેલ છે હેં ? આ બધી વાતો આમ તો વાસણ ખખડવાની વાત છે પણ આવા ખખડાટ બાળકોના ભવિષ્યને બરબાદ કરી મૂકે છે. બાળકોને પણ બીજાઓનું અપમાન કરવાની ટેવ પડે છે.
જે સ્ત્રીઓને પોતાના પતિદેવની નિંદા કરવાની ટેવ હોય એના ઘરના દરેક પ્રસંગો ક્લેશ યુક્ત બની જાય છે અને એના પડઘા બૃહદ પરિવારમાં પણ પડે છે. શુભ અવસરોએ પણ આ ક્લેશ સપાટી પર આવે છે ને જગતને એની ઝાંખી જોવા મળે છે. તળિયાની વાત નળિયે પહોંચતા વાર લાગતી નથી. આમાં માત્ર એમ નથી કે સ્ત્રીઓને જ આવી ટેવ છે. ગુજરાતી પ્રજામાં પોતાની પત્નીને ‘અરે તને કંઈ બુધ્ધિ છે કે નહિ ?’ એવું એક પણ વાર ન બોલ્યો હોય તેવો પુરૂષ ત્રિલોકમાં દુર્લભ અને સાક્ષાત શિવસ્વરૂપ તથા વંદનીય છે…! પરૂષોને પણ પત્ની સાથે જાહેરમાં રકઝક કરતા સમાજે જોયા છે. જો જાહેરમાં પણ તેઓ સદવર્તન ન કરી શકતા હોય તો તેમના પરિવારના યાતનામય દિવસોનો માત્ર અંદાજ બાંધવાનો રહે. છતાં દુનિયા બધું ભુલી જવાની હોય છે પરતું ઘરના કેન્દ્રમાં રહેલા સંતાનો એ ઘટનાઓને કદી વીસરી શકતા નથી. એ ઘટનાઓ એમની જિંદગીમાં પડછાયાની જેમ સાથે રહે છે અને એમના મનને વિષાદથી ભરી દે છે.
આપણા દેશમાં તો આત્મકથા લખવાનો બહુ રિવાજ નથી. બહુ ઓછા લોકોએ આત્મકથા લખી છે. પરંતુ પશ્ચિમના દેશોમાં તો હજારો લોકોએ આત્મકથા લખી છે. અરે એમાં કેટલાક તો સામાન્ય લોકો પણ છે પરંતુ તેમની જિંદગી બહુ અસામાન્ય હોય છે. તેમાં તેઓ તેમના માતા અને પિતા વચ્ચેના સ્નેહસંબંધ પર તો ખાસ લખે છે. કારણ કે એનો એમની વ્યક્તિગત જિંદગી પર ઊંડો પ્રભાવ પડ્યો હોય છે. જે દંપતી પ્રસન્ન જિંદગી જીવ્યા હોય એમના સંતાનો બહુ સુખી જીવન જીવતા હોય છે. કારણ કે પ્રસન્ન માતા-પિતાના જીવનમાંથી જ સંતાનોને સુખની સો ગુરુચાવીઓ મળી રહે છે. પ્રસન્ન દંપતીના છાંયે ઉછરેલા શિશુઓ જ આગળ જતાં મહાપુરૂષો બને છે. જે ઘરમાં બેજણને એકબીજાની માયા ન હોય એ ઘર કંઈ ઘર ન કહેવાય, એ તો મકાન જ ગણાય. આમ પણ વિષ્ણુ પુરાણ તો કહે જ છે કે જે ઘરમાં પતિ અને પત્ની પરસ્પરનું સન્માન જાળવતા ન હોય એ ઘરમાંથી લક્ષ્મી દોટ મૂકીને ભાગે છે. એવા પરિવારોની માથે નિર્ધનતા તલવારની જેમ લટકતી હોય છે. જે દંપતીને જિંદગીની કિંમત ન હોય એને એકબીજાની તો શું મરજાદ હોય ? એક એક દિવસ સોનાનો છે અને પ્રેમભર્યા સહજીવનમાં તો એકે એક દિવસ સાત સોનાનો હોય છે. આખા દિવસમાં બે સારા વેણ બોલી ન શકાય તો કંઈ નહિ, જીવનસાથી હતોત્સાહ થાય એવું કંઈ બોલાય નહિ. પરંતુ આટલી ભાન આવતા કેટલાકને તો ચાર-પાંચ દાયકાઓ વીતી જાય છે અને કેટલાક તો એવા ને એટલા અભિમાની હોય છે કે સાત ભવે પણ એમના દામ્પત્યમાં વિવેક પ્રવેશ્તો નથી.
સ્વની ઓળખ વિના પ્રેમ ક્યાં ? બધું જ ‘નથી’ માંથી ‘છે’માં રૂપાંતર કરવાના મોહમાં સ્વયંની હયાતીનો બહુ લોપ થઈ ગયો છે.







































