રાખનાં રમકડાં
“તું અહીંથી બહાર નીકળ્યો ને દસેક મિનિટમાં જ રણમલ આવ્યો…” બા ઊભા થઈને બોલ્યાં ઃ “એ તો એમ જ મને મળવા આવ્યો હતો. પરંતુ મેં તેને કહ્યું કે નિરાંતે બેસ, દામો પણ આવ્યો છે. એટલે તે તો તારી વાટ જોઈને હિંડોળા પર બેસી રહ્યો. જો ને, તું કલાક પછી હવે આવ્યો…”
“તમે સાચા છો બા…, પરંતુ મને થોડી ખબર હોય કે રણમલ પણ હમણાં જ આવ્યો હશે ? જો એવી ખબર હોય તો હું ઘરમાંથી બહાર જ ન નીકળું, બરાબર ને…?” દામલે કહ્યું.
“બા, મારે આ પીવી છે. આજે સાવ શાંતિ છે ને નિરાંત પણ છે, હવે હા, આ પીધા પછી અમે બંને દોસ્તાર નિરાંતે વાતો કરીશું…” રણમલે બા સામે જોતાં આવું કહ્યું.
“તું મારા ઘરે આવે અને હું તને ચા ન પાઉં… એવું કોઈ દિવસ બન્યું છે? ચાલ હમણાં જ ચા લઈને આવું છું, બસ…” આમ કહી બા તો તરત જ રસોડા તરફ ચાલ્યાં.
બા થોડા દૂર થયાં ત્યાં તો તરત જ રણમલે દામાને પૂછ્યું:
“દામા…, આમ એકાએક તારે અહીં આવવાનું કેમ થયું ? સમય તો સારો છે ને…?”
“તને ખબર ન હોય, ક્યાંથી ખબર હોય ? જો ને બા…ની તબિયત હમણાં હમણાં નરમ-ગરમ રહે છે. બાની ખબર લેવા હું આવ્યો છું…” દામાએ કહ્યું.
“લે…, મને તો ખબર ઈ નથી, વળી બા ને જોતાં તેઓ બીમાર હોય તેવું મને લાગતું પણ નથી…” રણમલે વાત કરી.
“એ તો બાની સહનશક્તિ છે. તેનું મનોબળ ખૂબ જ મજબૂત છે, એટલે તો તેને જોતાં તને ખબર ન પડી. પરંતુ બા ને હમણાં હમણાં અચાનક જ ચક્કર આવે છે, શરીરમાં ખૂબ કળતર રહે, એકદમ શ્વાસ વધે-ઘટે, થાક અસહ્ય લાગે ને ક્યારેક ક્યારેક ઉલટી પણ થાય છે. છતાં પણ આ ઉંમરે તેઓ ઘરનું બધું જ કામ જાતે કરતાં રહે છે. તેનો સ્વભાવ જ એવો છે…” દામાએ વિગતે વાત કરી.
“તો પછી આવું બધું હોય તો તું બાને આભરવેલી લઈ જા…”
“ત્યાં આવવાની તેઓ ના પાડે છે.”
“ના… શું કામ પાડે ?”
“વર્ષોથી અહીં આ ઘરમાં તેઓ રહે છે એટલે મારે ત્યાં તેમને ગોઠતું નથી. અને પરાણે હું ત્યાં લઈ જવામાં માનતો નથી. મારે તો બસ તેઓ હંમેશા ખુશ રહે એ જ જોવાનું, સારું કર્યુ ને મેં…”
“સારું…, હવે એ તો કહે… બીજું શું ચાલે છે ?”
“બસ…, બધું બરાબર છે. અરે યાર ! હા… યાદ આવ્યું ઃ મારા ઘરે પેલા મહેશને તે જ મોકલ્યો હતો ને…?”
“હા મિત્ર ! મેં જ તેને તારી પાસે મોકલેલો, સાથે એક પત્ર પણ મેં આપેલો તે વાંચ્યો તો છે ને…?” રણમલે પૂછ્યું.
“હા, તારો પત્ર મળ્યો… મેં વાંચી લીધો છે. મહેશને રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ મેં કરી આપી છે. એ તો મને સર… સર… સર… એમ જ કહ્યા કરે છે…” દામાએ જવાબમાં કહ્યું.
“એ મહેશ આમ તો ખૂબ જ હોંશિયાર છોકરો છે, વળી વાણી અને વર્તનમાં” પણ ખૂબ જ ચાલાક અને સાવ ચોખ્ખો છે. એવું હતું એટલે જ તો મેં તેને તારી ભલામણ કરી…”
“એમાં શું… તે સારું જ કર્યું. હવે બોલ, બીજું બધું શું ચાલે છે?” – દામાએ પણ સામે પૂછ્યું.
“બસ… કંઈ નહીં. પરંતુ આ મામલતદાર ઓફિસની નોકરી જરાય સારી નહીં. બસ કામ… કામ… ને કામ, રાત-દિવસ એ જ ચિંતા. કામ તો કદી ખૂટતું જ નથી…” રણમલે નિરાશ થતાં કહ્યું, એટલે તરત જ દામાએ વ્યંગમાં બોલી દીધું:
“જ્યારે બેકાર હતો, સરકારી નોકરી મળતી નહોતી ત્યારે તો તું માતાજીની આખરી માનતા રાખતો હતો તે તો યાદ છે ને ? અને હવે નોકરી મળી ગઈ એટલે તું કહે છે કે, આ નોકરી સારી નથી, અરે વાલા… સરકારી નોકરી બધે જ આવી હોય છે. કાગડા તો બધે જ કાળા હોય છે, સમજ્યો…?”
“એવું નથી…, આમ જો તો તમારે માસ્તરોને તો સાવ શાંતિ હોય છે. સ્કૂલે જવાનું ને છ કલાક પૂરી થાય એટલે તમામ જવાબદારી જાણે પૂરી, પછી ચેનથી સાવ શાંતિથી ઘરે આરામ કરવાનો…” રણમલે વાત કરી.
“તું સાવ એવું ન સમજતો. સમાજમાં આ કહેવાતા માસ્તરોને પણ ઘણી જ જવાબદારીઓ સરકારે આપી છે. ફક્ત બાળકોને ભણાવવાનું જ કામ નથી. વસ્તી ગણતરીના સમયે તો અમે પણ ક્યાંયના નથી રહેતા, ઘર ઘર ભટકવું પડે છે. અને હા, ચૂંટણી ટાણે તો આ માસ્તરોનો મરો જ સમજે. ન ઘરના કે ન ઘાટના એવી સ્થિતિ અમારી હોય છે, સમજ્યો…?” – દામાએ સાચી વાત કરી.
“પરંતુ એ તો ક્યારેક ક્યારેક જ આવું કામ તમારે કરવાનું આવે, રોજ રોજ ચૂંટણી થોડી આવે છે ? અને વસ્તી ગણતરી પણ પાંચ વર્ષે જ કરવાની આવે છે.’’ (ક્રમશઃ)









































