શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નાના ચિલોડા-નરોડા રોડ પરથી મેફેડ્રોન એટલે કે મેથએમ્ફેટામાઇન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૮૭ ગ્રામ ૭૮૦ મિલીગ્રામ ડ્રગ્સ સહિત કુલ રૂ.૧૧.૯૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ માહિતી આધારે નાના ચિલોડા-નરોડા રોડ પર સંજયનગર ખાતે ચામુંડા મોટર ગેરેજ સામે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન પોલીસે દિલીપકુમાર ચોથુરામ તાલાપા (રહે. નરોડા) અને લેખરાજસિંહ મદનસિંહ ચૌહાણ (રહે. નાના ચિલોડા)ને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓના કબ્જામાંથી ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ ૮૭ ગ્રામ ૭૮૦ મિલીગ્રામ જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે રૂ.૮.૭૭ લાખ થાય છે. ઉપરાંત અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂ.૧૧.૯૨ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ અગાઉ પણ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા છે. વધુ પૈસા કમાવાની લાલચમાં તેઓ રાજસ્થાનના નરેશ નામના શખ્સ પાસેથી ડ્રગ્સ મંગાવતા હતા. નરેશ પોતાના સાગરીત રૂપારામ ખારેડીયા મારફતે ડ્રગ્સનો જથ્થો અમદાવાદ મોકલતો હતો. આરોપીઓ આ ડ્રગ્સનો છૂટકમાં પડીકીઓ બનાવી વેચાણ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે અને ડ્રગ્સ સપ્લાય ચેઇનમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.