રાજ્ય સરકાર ‘નંબર વન’ ગુજરાતના બણગા ફૂંકી રહી છે, ત્યારે આરોગ્ય વિભાગના આંકડાઓએ આરોગ્યની કથળતી સ્થિતિની પોલ ખોલી છે. આવનારી પેઢીને સુરક્ષિત રાખવા માટે ચાલી રહેલા સરકારી અભિયાનો વચ્ચે ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, છેલ્લા બે વર્ષમાં જ ૮૦૧ ગર્ભવતી મહિલાઓ જ નહીં, ૧૨,૭૦૦ લોકો એચઆઈવીનો ભોગ બન્યા હોવાનું માલૂમ પડ્યું હતું. ટૂંકમાં, વાઈબ્રન્ટ ગુજરાતમાં એચઆઈવીના આંકડાનો પણ ‘પોઝિટિવ’ વિકાસ થયો છે.
નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન અને ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના પબ્લિક હેલ્થ મિશનના દાવાઓ કદાચ ફાઈલોમાં જ સીમિત રહી ગયા હોય તેમ લાગે છે. રાજ્ય સરકાર ‘માતા-પિતાથી બાળકને થતું સંક્રમણ’ રોકવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, છતાંય એચઆઈવી પર કાબુ મેળવી શકાયો નથી. ચિંતાનું કારણ તો એછેકે, એચઆઈવીના દર્દીઓની સંખ્યા વધી રહી છે.
વર્ષ ૨૦૨૪-૨૫માં માતાપિતાથી બાળકો સંક્રમિત ન થાય તે માટે એચઆઈવીનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ૨૦,૫૪,૦૨૮ લાખોનું પરિક્ષણ કરાયુ હતું જેમાં ૭૭૬૨ લોકોને એચઆઈવી હોવાનું જાણવા મળ્યું હતું.
વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૩,૨૭,૩૮૭ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પૈકી ૪૯૩૮ લોકો એચઆઈવીનો ભોગ બન્યા હોવાનું માલૂમ પડ્યું હતું. વર્ષ ૨૦૨૪-૨૫ અને વર્ષ ૨૦૨૫-૨૬માં ૨૩ લાખ મહિલાઓનો એચઆઈવી ટેસ્ટ કરવામાં હતો તેમાં ૮૦૭ સગર્ભા એચઆઈવી વાયરસથી સંક્રમિત હોવાનો ખુલાસો થયો હતો. રિપોર્ટ મુજબ, બે વર્ષમાં માત્ર ગર્ભવતી માતાઓ જ નહીં, પણ રાજ્યમાં કુલ ૧૨,૭૦૦ લોકોમાં એચઆઈવીના લક્ષણો દેખાયા હતાં.










































