થોડા મહિના પહેલી થયેલી સિંહોની વસતી ગણતરીમાં અમરેલી જિલ્લામાં રાજ્યમાં સૌથી સાવજનો વસવાટ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત રોજબરોજ જિલ્લામાં કોઈને કોઈ ગામ-શહેરના સિંહના વીડિયો વાયરલ થતા હોય છે. આ દરમિયાન સિંહ દર્શન બાબતે ચાલી આવતી જૂની અદાવત રાખીને કડીયાળી ગામના પાટિયા પાસે વન વિભાગના એક ટ્રેકર પર છ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. લોખંડના પાઇપ અને કુહાડી જેવા હથિયારો વડે થયેલા આ હુમલામાં ટ્રેકરને ગંભીર ઈજાઓ પહોંચતા ચકચાર મચી ગઈ હતી. બનાવ સંદર્ભે ભેરાઈ ગામે રહેતા અને ટ્રેકર તરીકે નોકરી કરતા બાબુભાઇ વાજસુરભાઇ વણજર (ઉ.વ.૪૫) એ કડીયાળી ગામના ભદ્રેશગીરી ગૌસ્વામી, આરસી દડુ, કુલદીપ ગંભીર બારૈયા, રામ ગંભીર બારૈયા, રાહુલ વલ્લભ તથા એક અજાણ્યો માણસ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ વન વિભાગમાં હંગામી ટ્રેકર તરીકે ફરજ બજાવે છે. બે દિવસ પહેલા સાંજે સાતેક વાગ્યે રિલાયન્સ પેટ્રોલ પંપ સામે, કડીયાળી ગામના પાટિયા પાસે પોતાની ફરજ પર હતા. તે સમયે રોડ પર નીલગાય અને ફોરવ્હીલ વચ્ચે અકસ્માત થયેલ હોય, જેની કાર્યવાહી ચાલી રહી હતી. તે દરમિયાન આરોપીઓએ એકસંપ થઈને ત્યાં આવી પહોંચ્યા હતા. અગાઉ એક વર્ષ પહેલા અને તા. ૩૦/૦૪/૨૬ના રોજ સિંહ જોવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી મુખ્ય આરોપી ભદ્રેશગીરીએ તેમને સાઈડમાં બોલાવ્યા હતા. ગઈકાલે તું શું દોઢો થતો હતો, સિંહ તો જોવાના જ છે તેમ કહી ગાળો આપી હુમલો શરૂ કર્યો હતો. હુમલાખોરોએ પૂર્વઆયોજિત કાવતરા મુજબ ટ્રેકર પર તૂટી પડ્યા હતા. આરોપી ભદ્રેશગીરીએ પગમાં લાત મારી અને ખભા પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. જ્યારે અન્ય એક આરોપીએ ફરિયાદીના માથાના પાછળના ભાગે કુહાડી ઝીંકી દીધી હતી. તેઓ જીવ બચાવવા ભાગ્યા, ત્યારે અન્ય અજાણ્યા શખ્સોએ તેમને પકડી રાખ્યા હતા અને અન્ય આરોપીઓએ લોખંડના પાઇપ વડે સાથળ, પીંડી અને થાપાના ભાગે આડેધડ માર માર્યો હતો. આ હુમલામાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આરોપીઓએ તેમને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.










































