કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે બપોરે ભચાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા ૨.૯ નોંધાઈ છે, જેને પગલે સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ જાવા મળ્યો હતો.
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના રિપોર્ટ અનુસાર, આજે બપોરે ૧૨ વાગ્યાને ૦૫ મિનિટે ભચાઉ પંથકમાં ધરતી ધ્રૂજી હતી. આંચકાની તીવ્રતા ઓછી હોવા છતાં, જે લોકો શાંત વાતાવરણમાં હતા અથવા બહુમાળી ઇમારતોમાં હતા, તેમને આ ધ્રુજારીનો સ્પષ્ટ અનુભવ થયો હતો.
ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે ૧૫ કિલોમીટર દૂર નોંધાયું છે. સદનસીબે, તીવ્રતા ઓછી હોવાને કારણે અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર મળ્યા નથી. કચ્છ જિલ્લો ભૂકંપના જાખમની દ્રષ્ટિએ ‘ઝોન-૫’ માં આવતો હોવાથી અહીં વારંવાર આવતા નાના આંચકાઓ પણ તંત્ર અને લોકો માટે ચિંતાનો વિષય બનતા હોય છે.










































