વડોદરાની પ્રતિષ્ઠિત બરોડા મેડિકલ કોલેજમાંથી ચોથા વર્ષમાં અભ્યાસ કરતો એક ૨૧ વર્ષીય તેજસ્વી વિદ્યાર્થી ગુમ થતા ચકચાર મચી ગઈ છે. બનાસકાંઠાના ધાનેરાનો વતની આ વિદ્યાર્થી છેલ્લા ચાર દિવસથી લાપતા છે. પુત્રની શોધમાં વડોદરા દોડી આવેલા પિતાની આક્રંદભરી અપીલે સૌ કોઈની આંખો ભીની કરી દીધી છે.
બનાસકાંઠાના ધાનેરા તાલુકાનો વતની અને એમબીબીએસના આઠમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી ૨૬ એપ્રિલના રોજ ઘરેથી વડોદરા હોસ્ટેલ આવવા નીકળ્યો હતો. ૨૭ એપ્રિલના રોજ સાંજે સાડા સાત વાગ્યે માતા સાથે અંતિમ વાર વાત થયા બાદ તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. પરિવારજનો વડોદરા પહોંચ્યા ત્યારે હોસ્ટેલના રૂમ પર લોક જાવા મળ્યું હતું અને મિત્રો પાસે પણ કોઈ જાણકારી નહોતી.
પરિવાર અને પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, વિદ્યાર્થી વડોદરાના એસએસજી હોસ્પિટલ સામે આવેલા એસબીઆઇના એટીએમ પર રાત્રે ૯ વાગ્યાની આસપાસ પૈસા ઉપાડવા આવ્યો હતો, જ્યાં તે સીસીટીવીમાં કેદ થયો છે. ત્યારબાદ તેની કોઈ ભાળ મળી નથી.
વિદ્યાર્થી ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને તેણે કોઈ પણ ટ્યુશન વગર પ્રથમ પ્રયાસે જ નીટ ની પરીક્ષા પાસ કરી હતી. જાકે, આઠમા સેમેસ્ટરમાં તેને એક વિષયમાં એટીકેટી આવી હતી. પિતાને આ વાતની જાણ વડોદરા આવ્યા બાદ થઈ હતી. એવું મનાઈ રહ્યું છે કે એટીકેટી આવતા નિરાશ થઈને અથવા ડરના માર્યા તેણે આ પગલું ભર્યું હોઈ શકે છે.
દીકરાની શોધમાં ભટકતા પિતાએ રડતા રડતા મીડિયા સમક્ષ અપીલ કરી હતી કે, “બેટા, તું જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા. તારી મમ્મી અને બહેન બહુ ચિંતા કરે છે. ભણવાનું તો કાલે ફરીથી થઈ જશે, એટીકેટી આવે તો કંઈ વાંધો નથી, અમે તને કંઈ જ નહીં કહીએ. બસ તું સુરક્ષિત ઘરે પાછો આવી જા.”
આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની અરજી આપવામાં આવી છે. મેડિકલ કોલેજના ડીન દ્વારા પણ પરિવારને સહકારની ખાતરી આપવામાં આવી છે. જા તમને આ વિદ્યાર્થી અંગે કોઈ પણ જાણકારી મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે.