સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ બાદ હવે વિવિધ મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પસંદ કરવા માટે ભાજપે કવાયત હાથ ધરી છે. જામનગર મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ સત્તાના સંગ્રામની તૈયારી શરૂ કરવામાં આવી છે. મેયર-ચેરમેન પદ મેળવવા માટે ભાજપના જીતેલા ઉમેદવારોએ લોબિંગ શરૂ કર્યું છે. ૧૦ મે પહેલા જામનગરને નવા મેયર મળી જશે.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૬૪માંથી ૬૦ બેઠક પર કબ્જા જમાવીને ઐતિહાસિક જીત મેળવી છે. ભાજપની પ્રચંડ બહુમતી બાદ હવે મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતા જેવા મહત્વના હોદ્દાઓ માટે દાવેદારો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ?
ભાજપ હાઈકમાન્ડ માટે આ વખતે પદની વહેંચણી કરવીએ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષ કોઈ પણ જ્ઞાતિ કે વર્ગને નારાજ કરવા માંગતું નથી. જામનગરના રાજકારણમાં હંમેશા ‘જાતિગત ફેક્ટર’ મહત્વનું રહ્યું છે, ત્યારે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન નક્કી કરતી વખતે ભૌગોલિક અને જ્ઞાતિના સમીકરણોને પ્રાધાન્ય આપવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે.
ચાલુ ટર્મમાં પ્રથમ અઢી વર્ષ માટે મેયરનું પદ સામાન્ય મહિલા માટે અનામત છે. આ વખતે ભાજપની ૬૦ બેઠકોમાંથી ૩૦ મહિલા ઉમેદવારો ચૂંટાઈને આવી છે, જે પક્ષની મજબૂત મહિલા પાંખ દર્શાવે છે. અત્યારે હાલમાં મેયરની રેસમાં મુખ્યત્વે ત્રણ નામો મોખરે છેઃ મોનીકા વ્યાસ,તૃપ્તિ ખેતીયા નિશા અસ્વાર
આ ત્રણેય નામો વચ્ચે પક્ષના મોવડી મંડળમાં ગંભીર ચર્ચા ચાલી રહી છે. અનુભવ અને પક્ષ પ્રત્યેની વફાદારીના આધારે અંતિમ મહોર મારવામાં આવશે.
મનપામાં વહીવટી અને આર્થિક દ્રષ્ટિએ સૌથી પાવરફુલ ગણાતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે અત્યારથી જ જબરદસ્ત લોબિંગ શરૂ થઈ ગયું છે. આ પદ માટે અનેક કદાવર નેતાઓ મેદાનમાં છેઃ પાર્થ કોટડીયા, આશિષ જાશી,અમર મોદી,જીતુ સિંગળા,સંજય મૂંગરા
શહેરના રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચા છે કે સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે અંદરખાને ભારે ખેંચતાણ ચાલી રહી છે અને દાવેદારો પોતાના આકાઓ મારફતે ગાંધીનગર સુધી દબાણ વધારી રહ્યા છે.
જામનગરના વરિષ્ઠ પત્રકાર જણાવે છે કે, “ભાજપ માટે આ જીત જેટલી મોટી છે, એટલી જ જવાબદારી પદની વહેંચણીમાં છે. જ્ઞાતિ અને વિસ્તારનું સંતુલન જાળવવું એ સૌથી મોટો પડકાર રહેશે.”
બીજી તરફ, સિનિયર પત્રકારના મતે, “માત્ર જીત જ પૂરતી નથી, આગામી વિધાનસભા ચૂંટણીમાં આ વિસ્તારમાં પક્ષનો દબદબો જાળવી રાખવા માટે અત્યારથી જ યોગ્ય ચહેરાઓને મહત્વ આપવું અનિવાર્ય છે. સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે થતું લોબિંગ પક્ષમાં ચાલી રહેલા આંતરિક ‘ઉકળતા ચરુ’નો સંકેત છે.” હવે જાવાનુંએ રહેશે કે ભાજપ હાઈકમાન્ડ કોના પર કળશ ઢોળે છે અને કયા સમીકરણોને આધારે જામનગરમાં નવા ‘મેયર’ની પસંદગી થાય છે.











































