ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તીવ્ર ગરમી અને હીટવેવ જેવી સ્થિતિ આજે પણ યથાવત્ રહેવાની છે. હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે અને ઉકળાટનો અનુભવ થશે. જા કે, આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ધીમે-ધીમે ઘટાડો થવાની સંભાવના છે.
ગુજરાતમાં ૩૦ એપ્રિલના રોજ ભારે ગરમીનો અનુભવ થયો હતો, જેમાં અનેક શહેરોમાં તાપમાન ૪૦ સેથી વધુ નોંધાયું હતું. રાજકોટમાં સૌથી વધુ ૪૩.૦ સે તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં ૪૨.૬ સે અને અમરેલીમાં ૪૨.૧ સે સુધી પારો પહોંચ્યો હતો. ગાંધીનગરમાં પણ તાપમાન આશરે ૪૧.૨૦ સે રહ્યું હતું. કંડલામાં ૪૧.૪૦ સે નોંધાયું, જ્યારે વડોદરા, ભાવનગર, સુરેન્દ્રનગર અને ડીસા જેવા શહેરોમાં તાપમાન લગભગ ૪૦.૨૦ સે આસપાસ રહ્યું હતું. રાજ્યભરમાં ગરમીની તીવ્રતા વધતા લોકોને બપોરના સમયે ખાસ સાવચેત રહેવાની જરૂરિયાત ઉભી થઈ છે.
રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં તાપમાન ૪૦ થી ૪૩° સે વચ્ચે રહેવાની શક્યતા છે,જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૩૫ થી ૩૯ સે સુધી રહી શકે છે.હવામાન વિભાગે અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટે આજે મહત્તમ તાપમાન ૪૩° આસપાસ રહેવાની આગાહી કરી છે. કોઈ વરસાદની સંભાવના નથી.