અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં રહેતા અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા એક ૫૪ વર્ષીય વેપારી હનીટ્રેપ અને સાયબર બ્લેકમેલિંગનો ભયાનક શિકાર બન્યા છે. ૨૦૨૩માં ટ્રેનની મુસાફરી દરમિયાન પંજાબના ફિરોજપુરના એક યુવક સાથે થયેલી સાધારણ ઓળખાણ આખરે લાખો રૂપિયાની ખંડણી અને માનસિક ત્રાસમાં પરિણમી છે. ઠગ ટોળકીએ વેપારીનો અશ્લીલ વીડિયો બનાવી ૮ લાખથી વધુ રૂપિયા પડાવ્યા હતા અને ત્યારબાદ નકલી પોલીસ બનીને વધુ ૧૫ લાખની માંગણી કરતા આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત વર્ષ ૨૦૨૩માં થઈ હતી, જ્યારે વેપારી પંજાબ જઈ રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત નિખિલ ખુરાના નામના શખ્સ સાથે થઈ હતી. નિખિલે શરૂઆતમાં માતાની બીમારી અને આર્થિક તંગીનું બહાનું કાઢી વેપારી પાસેથી નાની રકમો મેળવી વિશ્વાસ સંપાદિત કર્યો હતો. સપ્ટેમ્બર ૨૦૨૫માં નિખિલે વેપારીને વીડિયો કોલ કરીને બિભત્સ વાતોમાં ઉશ્કેર્યા હતા અને ગુપ્ત રીતે તેમનો અશ્લીલ વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને નિખિલ અને તેના ભાઈ સાહિલ ખુરાનાએ ટુકડે ટુકડે ૮.૮૮ લાખ રૂપિયા પડાવી લીધા હતા.
ઠગાઈનો સિલસિલો અહીં જ ન અટક્યો, આ ટોળકીના ત્રીજા સાગરીત રાહુલે પોતાને ક્રાઈમ બ્રાન્ચનો પીઆઇ (પોલીસ ઇન્સ્પેક્ટર) ગણાવીને વેપારીનો સંપર્ક કર્યો હતો. તેણે વેપારીને પોલીસ કેસની ધમકી આપી ડરાવ્યા હતા અને સેટલમેન્ટના નામે વધુ ૧૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ સતત થઈ રહેલા બ્લેકમેલિંગથી કંટાળીને વેપારીએ હિંમત દાખવી સાયબર ક્રાઈમ અને ખોખરા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ખોખરા પોલીસે નિખિલ, સાહિલ અને રાહુલ વિરુદ્ધ છેતરપિંડી અને ખંડણીનો ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.








































