ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો બાદ હવે પક્ષવાર દેખાવના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં ભાજપના દબદબા સામે વિપક્ષી પાર્ટીઓની સ્થિતિ અત્યંત દયનીય જાવા મળી છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના હજારો ઉમેદવારો પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યા નથી.
આમ આદમી પાર્ટીના ૩૩૬૫ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે, જ્યારે કોંગ્રેસમાં ૨૨૨૩ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ આંકડાઓ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોના સંયુક્ત પરિણામો પર આધારિત છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ગુજરાતના મતદારોએ કાં તો સત્તાધારી પક્ષ પર ભરોસો મૂક્યો છે અથવા તો વિપક્ષના મતોનું મોટા પાયે વિભાજન થયું છે. આમ આદમી પાર્ટી માટે સંખ્યાબળની દ્રષ્ટિએ ઉમેદવારો ઉતારવા સહેલા રહ્યા પણ જનમત મેળવવામાં તેઓ નિષ્ફળ સાબિત થયા છે, જ્યારે કોંગ્રેસ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું પણ હવે પડકારજનક બન્યું છે.
મહાનગરપાલિકા અને નગરપાલિકાના શહેરી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ આક્રમક પ્રચાર કર્યો હોવા છતાં અનેક બેઠકો પર તેમના ઉમેદવારો નોંધપાત્ર મતો મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. તેવી રીતે જિલ્લા અને તાલુકા પંચાયતમાં ગ્રામીણ સ્તરે કોંગ્રેસનો પરંપરાગત ગઢ ગણાતા વિસ્તારોમાં પણ ગાબડા પડ્યા છે. કોંગ્રેસના ૨૨૦૦થી વધુ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થવી એ પક્ષ માટે ચિંતાનો વિષય છે.
ચૂંટણી પંચના નિયમ મુજબ, જા કોઈ ઉમેદવારને તે બેઠક પર પડેલા કુલ માન્ય મતોના ૧/૬ ભાગ (અંદાજે ૧૬.૬૬%) કરતા ઓછા મત મળે, તો તેની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે. જાકે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે ઉમેદવારો ૧૦ ટકા મતોનો આંકડો પણ સ્પર્શી શક્યા નથી, તેમની ડિપોઝિટ જપ્ત થતા પક્ષોની આબરૂના ધજાગરા થયા છે.