રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ અને ચિત્તલના વિદ્યાભારતી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સ્વ. નકુભાઈ દેસાઈની યાદમાં ૧૨૮મો નેત્રનિદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ સેવાકાર્યમાં તેમના પુત્રો જેરામભાઈ અને ભાયાભાઈએ મહત્વનો આર્થિક સહયોગ આપ્યો હતો. કાર્યક્રમની વિશેષતા એ હતી કે તાલુકા પંચાયતની ચૂંટણીના ગરમાવા વચ્ચે પણ ભાજપ, કોંગ્રેસ અને આપના ત્રણેય ઉમેદવારો સુરેશભાઈ પાથર, રવજીભાઈ મકવાણા અને પરેશભાઈ પલવારે એક જ મંચ પર સાથે મળી દીપ પ્રાગટ્ય કર્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના વિજયભાઈ દેસાઈ અને હિરેનભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં કુલ ૭૯ દર્દીઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી, જેમાંથી મોતિયાના ઓપરેશનની જરૂરિયાત ધરાવતા ૨૯ દર્દીઓને વિનામૂલ્યે સારવાર માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ઈતેશભાઈ મહેતા અને અન્ય કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.