ખાંભા તાલુકાના ગોરાળા ગામે પ્લોટ રાખવાની જૂની અદાવતમાં એક દંપતી પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. પ્લોટના વિવાદમાં ત્રણ શખ્સોએ સાથે મળીને યુવકને રસ્તામાં આંતરી કુહાડી અને ઢીકાપાટુનો માર માર્યો હતો, તેમજ બચાવવા વચ્ચે પડેલાં પત્નીને પણ ઈજાઓ પહોંચાડી હતી.આ અંગે લાલાભાઇ ખીમાભાઇ વાવડીયા (ઉ.વ. ૩૮)એ જીણાભાઇ વાલેરાભાઇ વાઘ, નનાભાઇ વાલેરાભાઇ વાઘ અને લખમણભાઇ નનાભાઇ વાઘ સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફરિયાદીએ તેમના કૌટુંબિક કાકા પાસેથી એક પ્લોટ ખરીદ્યો હતો. આ પ્લોટ નનાભાઈ વાઘને રાખવો હતો, જેની અદાવત રાખી આરોપીઓએ જીણાભાઈ વાઘને તે પ્લોટમાં લોડર ટ્રેક્ટર ચલાવવા મોકલ્યો હતો.ફરિયાદીને આ વાતની જાણ થતા તેમણે ત્યાં જઈ ટ્રેક્ટર બંધ કરાવી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તે સમયે તેમને બીભત્સ ગાળો આપી ઝઘડો કરવામાં આવ્યો હતો.
ટ્રેક્ટર બંધ કરાવ્યાની જાણ અન્ય આરોપીઓને થતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. ફરિયાદી જ્યારે પોતાની મોટરસાયકલ લઈને વાડીના રસ્તેથી નીકળી રહ્યા હતા, ત્યારે ત્રણેય આરોપીઓએ હથિયારો સાથે તેમનો રસ્તો રોક્યો હતો. ચાલુ મોટરસાયકલ પર કુહાડી વડે ઘા મારી ફરિયાદીને પછાડી દીધા હતા અને આડેધડ માર મારવાનું શરૂ કર્યું હતું.
પતિને બચાવવા વચ્ચે પડેલાં તેમનાં પત્નીને પણ આરોપીઓએ ઢીકાપાટુનો ગંભીર માર માર્યો હતો, તેમજ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે ખાંભા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









































