ગુજરાતની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની મતગણતરી આજે થઈ છે. ત્યારે આ રાજકારણમાં એન્ટ્રી મારનાર ગુજરાતના પ્રસિદ્ધ ડાયરા કલાકાર માયાભાઈ આહીરની દીકરી સોનલ ડેરની ચૂંટણીમાં હાર થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. સોનલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી જંગમાં ઝંપલાવી ચારેય બાજુ ચૂંટણીની ચર્ચા વચ્ચે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યું હતું, જાકે હવે આજે યોજાયેલી મતગણતરીમાં તેણીની હાર થઈ છે.
ડાયરા કલાકાર માયાભાઈ આહીરનો પરિવાર પહેલેથી જ ભાજપ સાથે જાડાયેલો છે. તેમનો પુત્ર જયરાજ આહીર લાંબા સમયથી પક્ષમાં સક્રિય છે, ત્યારે હવે માયાભાઈની પરિણીત દીકરી સોનલબેને પણ કેસરિયો ધારણ કરીને રાજનીતિમાં એન્ટ્રી કરી હતી. આહિરમાંથી ડેર બનેલી સોનલબેને અમરેલી જિલ્લાની લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, જાકે આજે મતગણતરીના દિવસે તેને મોટો ફટકો પડ્યો છે અને તેની સામે લાઠી તાલુકા પંચાયત ચાવંડ બેઠક કોંગ્રેસ ઉમેદવાર શાંતિબેન ડેરની જીત થઈ છે.