ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંચાયતની ચૂંટણીઓમાં દિવ્યાંગો માટે પ્રશંસનીય સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. લોકશાહીના આ પર્વમાં દરેક નાગરિક સહભાગી બને તે હેતુથી સંસ્થા દ્વારા મતદાન મથકો પર વ્હીલચેર, સહાયક કર્મચારીઓ અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આરીફભાઈ ચાવડા, રાકેશભાઈ બેરડીયા અને તનવીરભાઈ ચાવડા સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી વૃધ્ધો તેમજ અશક્ત મતદારોને મતદાનમાં મદદ કરી હતી. આ સેવાકીય પ્રવૃત્તિને કારણે દિવ્યાંગોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમાજમાં સકારાત્મક સંદેશ વહેતો થયો હતો. સંસ્થાએ આગામી સમયમાં પણ આવી જનસેવાની
પ્રવૃત્તિઓ ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.