ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો જાહેર થઈ રહ્યા છે, જેમાં ભાજપના પક્ષમાં જીતનો મોજા જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં ખાસ કરીને કલા અને સોશિયલ મીડિયા જગત સાથે જોડાયેલા ચહેરાઓએ મેદાન મારી લીધું છે. ગીર સોમનાથની ઉના નગરપાલિકામાં લોકગાયિકા રાજલ બારોટ અને વિજાપુરમાં નેહા સુથારે ભવ્ય વિજય મેળવી કેસરીયો લહેરાવ્યો છે.
ઉના નગરપાલિકાના વોર્ડ નંબર ૭માં સૌરાષ્ટÙની જાણીતી લોકગાયિકા અને ભાજપના ઉમેદવાર રાજલ બારોટનો શાનદાર વિજય થયો છે. રાજલ બારોટને કુલ ૨૩૧૩ મત મળ્યા છે. ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક સ્વ. મણિરાજ બારોટની પુત્રી રાજલ બારોટે સંગીત બાદ હવે જનસેવાના ક્ષેત્રમાં કદમ રાખ્યા છે. લોકસંગીત ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા રાજલ હવે નગરપાલિકાના સદસ્ય તરીકે જાહેર જીવનની નવી જવાબદારી સંભાળશે.
માત્ર ઉના જ નહીં, પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ કલાકારોનો જાદુ ચાલ્યો છે. મહેસાણા જિલ્લાની વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પર લોકગાયિકા નેહા સુથારે ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી. તેમણે ૧૩૯૦ થી વધુ મતોની સરસાઈથી ભવ્ય વિજય મેળવ્યો છે. વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારે ફરી એકવાર પોતાની લોકપ્રિયતા સાબિત કરી છે. તેમણે ૨૪૦૦ મતોથી વિજય મેળવી સતત બીજી વખત આ બેઠક અંકે કરી છે.







































