જામનગર જિલ્લાના જામજાધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. એક ૨૭ વર્ષીય પરણિત યુવતીએ માનસિક બેચેની અને નકારાત્મક વિચારોથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. છેલ્લા કેટલાય સમયથી યુવતીને સતત મરી જવાના વિચારો આવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ, મોટી ગોપ ગામની ગરાસ સીમ વિસ્તારમાં રહેતા સ્મિતાબેન સંજયભાઈ કનારા (ઉ.વ. ૨૭) એ ગત ૧૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ સાંજે ૬ વાગ્યાના અરસામાં પોતાના ઘરે જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. દવા પીધા બાદ તેમની તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જાકે, હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ આખરે સ્મિતાબેને દમ તોડ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે સ્મિતાબેન છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે વ્યગ્ર રહેતા હતા. તેમને સતત મરી જવાના ખોટા વિચારો આવતા હતા અને તેમનું મન ક્્યાંય લાગતું ન હતું. આ અગમ્ય માનસિક બેચેનીથી કંટાળીને તેમણે અંતિમ પગલું ભરી લીધું હોવાનું માનવામાં આવે છે. આ દુખદ બનાવ અંગે સોનવડીયા ગામના રહેવાસી ટપુભાઈ વિનુભાઈ વસરાએ પોલીસને જાણ કરી હતી. જામજાધપુર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇએ આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહનું પંચનામું કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.