ગુજરાતમાં નકલી ઘી અને નકલી પનીરના સમાચાર તો આપણે જાતા જ હોઈએ છીએ, પરંતુ નકલી મતદાન મથક અત્યાર સુધી સાંભળ્યું નથી. ખેડા જિલ્લામાં નકલી મતદાન મથકની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સરકારી કચેરીમાં જ નકલી મતદાન મથક બનાવવાનો આરોપ છે. આ નકલી મતદાન મથક જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની કચેરીમાં જ બનાવવામાં આવ્યું હતું. નકલી મતદાન કેન્દ્રમાં હોમગાર્ડ કમાન્ડન્ટ પ્રણવ સાગરે પૂઠ્ઠાથી મતદાન કરવા માટેનું બોક્સ અને મતપેટી બનાવી હોવાની માહિતી મળી રહી છે. અહીં હોમગાર્ડના જવાનોને બેલેટ પેપર ફાળવીને સામૂહિક રીતે મતદાન કરાવવામાં આવતું હતું. આ મામલે વોર્ડ નંબર ૬ના કોંગ્રેસ ઉમેદવાર ચિરાગ પરીખ અને છાયાબેન પ્રજાપતિએ ચૂંટણી અધિકારી સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ નકલી મતદાન મથકમાં પૂઠાંમાંથી મત કરવા માટેનું બોક્સ તૈયાર કરવામાં આવ્યું હોવાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. અહીં હોમગાર્ડના કર્મચારીઓ બેલેટ પેપર પર મત આપ્યા બાદ પૂઠામાંથી બનાવેલી મતપેટીમાં મત નાંખતા હતા. આ સમગ્ર પ્રક્રિયા નિયમ વિરુદ્ધ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મતદાન માટે પૂઠાંનું મતદાન કેન્દ્ર તેમજ પૂઠાની મતપેટી પણ બનાવવામાં આવી હતી. જેમાં તમામ હોમગાર્ડ પોતાના બેલેટ પેપરમાં મત આપી ત્યારબાદ તે મતપેટીમાં બેલેટ પેપર નાંખતા હતા. હકીકતમાં હોમગાર્ડ દ્વારા પોતાને મળેલા બેલેટ પેપરમાં મત નાખી ત્યારબાદ તે બેલેટ પેપર એક કવરમાં પેક કરી તેને પોસ્ટ દ્વારા ચૂંટણી અધિકારીને મોકલવાનું હોય છે. હોમગાર્ડના કર્મચારીઓને જબરદસ્તી કરીને કોઈ ચોક્કસ રાજકીય પક્ષને સમર્થન આપવા માટે દિશા-નિર્દેશ આપવામાં આવ્યા હોવાના પણ ગંભીર આક્ષેપોની પણ ચર્ચા ચાલી રહી છે.
આ મામલે વોર્ડ નંબર ૬ના કોંગ્રેસ ઉમેદવાર ચિરાગ પરીખ અને છાયાબેન પ્રજાપતિએ ચૂંટણી અધિકારી સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. તેમણે આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરી છે. હાલમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. જા આક્ષેપો સાચા સાબિત થાય, તો સંકળાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ફરિયાદી ઉમેદવાર, ચિરાગ પરીખના જણાવ્યા પ્રમાણે, પ્રણવ સાગરે પૂઠ્ઠાનું મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું. આ અંગેની અમે રૂબરૂમાં ચકાસણી કરી તો ત્યાં મતદાન ચાલુ હતું. અહીં મતદાન કરવા હોમગાર્ડના જવાનો હાજર હતા. ત્યાં પ્રિસાઇડિંગ ઓફિસર કે નોડલ અધિકારીઓ હાજર ન હતા. હોમગાર્ડના કર્મચારીઓ જ તેમનું મતદાન જાતે કરાવતા હતા.
નડિયાદ ચૂંટણી વિભાગની ગંભીર બેદરકારી પણ સામે આવી છે. અહીં બેલેટ પેપરમાં ઉમેદવારનું નિશાન છાપ્યા વગર જ વહેંચણી કરી દેવામાં આવી છે. નડિયાદ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નં. ૪ના અપક્ષ ઉમેદવાર રિદ્ધિ સક્તાવતનું નિશાન છાપવાનું જ ચૂંટણી વિભાગ ભૂલી ગયા હોવાનું સામે આવ્યું છે. બેલેટ પેપરમાં ઉમેદવારના નામ સામે ચૂંટણી ચિન્હ છાપ્યા વગર જ બેલેટની વહેંચણી કરી દેવામાં આવી છે. વોર્ડ નંબર ૪માં બેલેટ પેપરથી ૬૬ મતદારો મતદાન કરવાના છે. જાકે સમગ્ર મામલે હવે ચૂંટણી વિભાગ નવા બેલેટ પેપર આપશે તેવી વાત કરવામાં આવી રહી છે. જાકે સમગ્ર મામલે ચૂંટણી અધિકારીએ મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું છે.