ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં ગંભીર ઔદ્યોગિક દુર્ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીના પ્લાન્ટમાં અચાનક જારદાર વિસ્ફોટ થતાં આસપાસનો આખો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. બ્લાસ્ટ એટલો જારદાર હતો કે તેનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ઘટનાના થોડા જ ક્ષણોમાં પ્લાન્ટમાં આગ ભભૂકી ઊઠી અને આકાશમાં ઘાટા કાળા ધુમાડાના વાદળો છવાઈ ગયા હતા. આ દ્રશ્ય જાઈ આસપાસની ફેક્ટરીઓમાં કામ કરતા શ્રમિકોમાં ભયનો માહોલ ફેલાયો અને ઘણા લોકો સુરક્ષિત સ્થળે દોડ્યા હતા.
આ ઘટનામાં ૧૦થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડાક્ટરો દ્વારા તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કેટલાક કામદારોની હાલત નાજુક હોવાનું પણ જાણવા મળ્યું છે. અકસ્માતના સમાચાર મળતાં જ પરિવારજનો અને સ્થાનિક લોકો હોસ્પિટલ તરફ દોડી આવ્યા હતા, જેના કારણે ત્યાં ભારે ભીડ જાવા મળી હતી.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. કેમિકલ યુનિટ હોવાને કારણે આગ ઝડપથી ફેલાવાની શકયતા હોવાથી આગ બુઝાવવાની કામગીરી ખૂબ જ પડકારજનક બની હતી. આસપાસના વિસ્તારોમાં પણ સાવચેતીના પગલાં તરીકે એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, પ્લાન્ટમાં ટેકનિકલ ખામી અથવા કેમિકલ રિએક્શનના કારણે વિસ્ફોટ થયો હોવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જાકે ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. વહીવટી તંત્ર અને નિષ્ણાતોની ટીમ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવશે. આ દુર્ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક સુરક્ષા અને સાવચેતીના માપદંડોને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.










































