જામનગર શહેરના લાખોટા તળાવમાં ન્હાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. હવે બંને બાળકો ન્હાવા પડ્યા હતા કે અકસ્માત થયો હતો તે મામલે તપાસ થઈ રહી છે. મૃતકોના વાલીવારસની પણ શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. ફાયરબ્રિગેડની ટીમે મૃતદેહો બહાર કાઢીને પોલીસને જાણ કરી છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા બંને બાળકોની ઉંમર આશરે આઠ અને નવ વર્ષની છે.
જાણકાર સૂત્રો મુજબ જામનગર શહેરના દિગ્વજય પ્લોટમાં બે પરપ્રાંતીય પરિવાર રહે છે. તે પૈકી એક પરિવાર ઉત્તરપ્રદેશનો તો બીજા બિહારનો છે. બંને બાળકોના પિતા દરેડ ફેઝ-૨માં મજૂરી કામ કરે છે. તેઓ આજ સવારે દૈનિક નિત્યક્રમ મુજબ કામે ગયા હતા. તેમના બાળકો તળાવમાં ડૂબી ગયા હોવાની જાણ થતાં તે દોડી આવ્યા હતા.
બે પરપ્રાંતીય બાળકોના મોત થવાના કારણે આખા વિસ્તારમાં શોક અને ગમગીનીનો માહોલ છવાયો છે. કુટુંબીજનોમાં રોક્કળ છે. માના આંખો સૂકાતા નથી, પિતા એકદમ સ્તબ્ધ છે. તેમને ખબ રજ પડતી નથી કે આ બધું કઈ રીતે બની ગયું. સ્થાનિકોનું કહેવું છે કે ગરમીના કારણે રાહત મેળવવા માટે બાળકોએ તળાવના પાણીમાં ઝંપલાવ્યું હોવાનું માનવામાં આવે છે. તેના કારણે આ કરૂણ અને દુઃખદાયી ઘટના બની લાગે છે.
સ્થાનિકોનું કહેવું છે કે તળાવમાં આ રીતે નાના બાળકો ઝંપલાવે નહીં તે માટે તંત્રએ કંઇક કરવું જરૂરી છે. કમસેકમ તળાવ ફરતે કોઈ વાડ કે આડશ પણ બનાવી શકાય, જેથી કોઈ તળાવમાં સીધું ઝંપલાવે નહીં.










































