લીલીયા ખાતે આજે ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં બ્રહ્મ સમાજના આગેવાનો, રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે. કાર્યક્રમની વિગતવાર રૂપરેખા મુજબ બપોરે ૪ઃ૦૦ વાગ્યે ભીડભંજન મહાદેવ મંદિરથી ગાયત્રી મંદિર સુધી એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ બપોરે ૪ઃ૩૦ કલાકે વડવાળા હનુમાનજી મંદિરે ભગવાન પરશુરામજીની પ્રતિમાનું વિધિવત પૂજન કરવામાં આવશે અને ત્યાં રાસ-ગરબાની રમઝટ સાથે ભક્તિમય ઉત્સવ મનાવવામાં આવશે. સાંજે ૫ઃ૧૫ વાગ્યે વડવાળા હનુમાનજી મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે, જે શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર ફરીને સાંજે ૭ઃ૦૦ કલાકે ગાયત્રી મંદિરે સંપન્ન થશે. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ગાયત્રી મંદિર ખાતે મહાઆરતી યોજાશે અને ત્યારબાદ તમામ ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે બ્રહ્મ સમાજ યુવા ગ્રુપના પ્રમુખ જયેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.









































