સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે. દિગ્ગજ નેતાઓ મોડીરાત સુધી ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે ભાજપે પોતાના ગઢ સમાન ગણાતા સુરતમાં ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને મેદાનમાં ઉતાર્યા છે. ખાસ કરીને પાટીદાર અને સૌરાષ્ટ્રીયન મતદારોને રીઝવવા માટે ભાજપ દ્વારા આક્રમક રણનીતિ અપનાવવામાં આવી રહી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વરાછામાં મોટાભાગે સૌરાષ્ટ્રીયન સમાજ અને પાટીદારોની વસ્તી હોવાથી, આ વિસ્તાર રાજકીય રીતે અત્યંત મહત્વનો ગણાય છે.
સભાને સંબોધતા માંડવીયાએ ભાવુક અને ધારદાર અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આપણું વરાછા હંમેશા ભાજપની પડખે રહ્યું છે. આપણા વરાછાને કલંક ન લાગવો જાઈએ કે આ વિસ્તાર ભાજપ સાથે નથી. પાટીદાર સમુદાય અને ભાજપ વચ્ચે ‘નાડી અને નાભિ’ જેવો અતૂટ સંબંધ છે.” તેમણે યાદ અપાવ્યું હતું કે જ્યારે રાજ્યમાં ભાજપનું અસ્તિ પાંગરતું હતું, ત્યારે કોંગ્રેસની રેલીઓ નીકળતી પણ બંધ થઈ ગઈ હતી અને ભાજપના વિજયનું બીજ આ વરાછાની ધરતી પરથી જ રોપાયું હતું.સ્તિ
માંડવીયાએ ભૂતકાળના સંસ્મરણો તાજા કરતા કહ્યું કે, ૧૯૯૫ની ચૂંટણીઓમાં જ્યારે પક્ષ પાસે સાધનો મર્યાદિત હતા, ત્યારે વલજીભાઈ અને જીવરાજભાઈ જેવા સમૃદ્ધ લોકોએ એક-બે લાખ રૂપિયાનું ફંડ આપીને સુરતથી ગાડીઓ દોડાવી હતી. એ સમયે માત્ર ૫ લાખ રૂપિયામાં આખી ચૂંટણી લડાઈ જતી હતી. આ સંઘર્ષમાં વરાછા અને સૌરાષ્ટ્રીયન લોકોનો સિંહફાળો રહ્યો છે. તેમણે પાટીદાર સમાજને આહવાન કર્યું હતું કે આ ગૌરવશાળી ઇતિહાસને જાળવી રાખવો એ આપણી જવાબદારી છે. તેમણે સુરતની ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે લોકોને વિનંતી કરી હતી.