અમદાવાદ શહેરની શિક્ષણ આલમમાં અત્યારે હડકંપ મચી ગયો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શહેરની ૧૫૩ ગ્રાન્ટેડ શાળાઓને કડક નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ શાળાઓના ઓડિટ રિપોર્ટ અને નાણાકીય હિસાબો રજૂ કરવા બાબતે આપવામાં આવી છે. લાંબા સમયથી ઓડિટમાં આનાકાની કરતી શાળાઓ સામે હવે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.
ડીઇઓ દ્વારા આપવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જા નિર્ધારિત સમય મર્યાદામાં ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં નહીં આવે, તો શાળાઓની ગ્રાન્ટ તાત્કાલિક અસરથી અટકાવી દેવામાં આવશે. આ નિર્ણયની સીધી અસર શાળાઓના નિભાવ ખર્ચ અને શિક્ષકોના પગાર પર પડી શકે છે. શિક્ષણ વિભાગની આ કડક કાર્યવાહીનો હેતુ ગ્રાન્ટેડ શાળાઓમાં નાણાકીય પારદર્શિતા અને શિસ્ત લાવવાનો છે.
નોટિસ મેળવનાર ૧૫૩ શાળાઓમાં અમદાવાદની અનેક નામાંકિત શાળાઓનો પણ સમાવેશ થાય છે, જેમાં મુખ્યત્વે વિશ્વનિકેતન સ્કૂલ, ન્યુ સર્વોદય સ્કૂલ અને મીરાંબિકા સ્કૂલ જેવી જાણીતી શાળાઓના નામ સામે આવ્યા છે. આ સહિતની તમામ શાળાઓએ આગામી ૭ મેથી ૩૦ મે સુધીમાં પોતાના તમામ હિસાબો અને ઓડિટ રિપોર્ટ ડીઆએ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે.
શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે માત્ર ગ્રાન્ટ અટકાવવી જ નહીં, પરંતુ જા શાળાઓ નિર્ધારિત સમયગાળામાં હિસાબ આપવામાં નિષ્ફળ જશે, તો તેમના વિરુદ્ધ શિસ્તભંગના કડક પગલાં પણ લેવામાં આવશે. સરકારી નાણાંનો દુરુપયોગ અટકાવવા અને શાળાઓના વહીવટમાં સચોટતા લાવવા માટે આ કાર્યવાહી અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.










































