(૧)આખું વરસ જે નથી કર્યું એ આ વેકેશનમાં કરવું છે. શું કરવું?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
ભણો.
(૨)અધિક મહિનાને લીધે શું ફરક પડે?
રમાબેન પટેલ (અમદાવાદ)
ભાડુઆતને એક મહિનાનું ભાડું વધારે ભરવું પડે અને મકાનમાલિકને એક મહિનાનું ભાડું વધારે મળે!
(૩)અમેરિકા ઈરાન યુધ્ધથી શું ફાયદો થયો?
આખી દુનિયાને હોર્મુઝનું નામ આવડી ગયું!
(૪)જુગાર અને પગાર વચ્ચે શું અંતર?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
જાવક અને આવક જેટલું.
(૫)મન ભટકે છે એના બદલે મન જાત્રા કરે છે એમ ના કહેવાય?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા કેનેડા)
જાત્રા કરતું હોત તો મન જંપી જાત પણ આમાં મન લટકે છે એટલે ભટકે છે એમ જ કહેવું પડે.
(૬)સાહેબ..! બધા પક્ષની ચુંટણી કાર્યાલયમાંથી નાસ્તો કરવા જવાનું આમંત્રણ આવે છે તો ક્યાં જવાય?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
બધે જાવ પણ વચ્ચેવચ્ચે ઘેર પણ જમવાનું રાખવું.
(૭)એસીડીટીની બળતરા માટે દવા આવે તો બીજી બધી બળતરા માટે કેમ નહીં?
ધોરાજીયા ચંદ્રકાન્ત એન. (સાજણટીંબા)
બીજી બળતરા માટે દવાથી નહી દેવથી.દૂર થાય.
(૮)બીજા જીવોને વગર મહેનતે ખાવાનું કેમ મળી રહે છે.?
બાલુભાઈ કિકાણી (લીલીયા મોટા)
એમાંથી પ્રેરણા લઈ ને જ કેટલાક માણસો પણ વગર મહેનતનું ખાવાનું શોધ્યા કરે છે!
(૯)ઈરાન અમેરિકા મંત્રણા નિષ્ફળ ગઈ. હવે શું થશે ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
બન્ને દેશો પાછા હોર્મુઝ હોર્મુઝ રમવા માંડશે.
(૧૦)કમોસમી વરસાદની જેમ પત્નીનો ‘કમોસમી પ્રેમ’ પામવા માટે શું કરવું જોઈએ ?
કનુભાઈ પરમાર (દામનગર)
દેખ મૈ તેરે લિયે ક્યાં લાયા હૂં? એવું હિન્દીમાં બોલી ને ગામમાં લાગેલા સાડીના મોસમી સેલની જાહેરાતનું પતાકડું બતાવવું જોઈએ!
(૧૧)અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં મંત્રણા થઈ એમાં આખું પાકિસ્તાન હરખાય છે. શું કહેશો?
રામભાઈ પટેલ (સુરત)
પ્રેમલગ્ન હોય કે ગોઠવાયેલા લગ્ન હોય એમાં મેરેજ હોલવાળાએ હરખાવાનું ન હોય!
(૧૨)નમકને પ્રવિત્ર કેમ કહેવામાં આવે છે?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
આ વખતે નમક લઈશ ત્યારે એને ખુદને પૂછી જોઈશ.
(૧૩) અમારા જવાબ આપવાથી તમને શું મળે?
જય દવે (ભાવનગર)
નવા સવાલો.
(૧૪)દાઢી વધારું તો ઘરમાં પૈસે ટકે સારું થશે?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
દાઢી વધારવાથી નહી પણ બચત વધારવાથી પૈસેટકે સારું થશે.
(૧૫)મારા પતિથી પાપડ પણ ભાંગતો નથી. મારે શું કરવું?
રમાબેન પટેલ (અમદાવાદ)
હવે પાપડ તમારે જાતે ન બનાવવા. બજારમાંથી લઈ આવવા!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..










































