ગુજરાતમાં આકરી ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આજે રાજકોટમાં તાપમાન ૪૨.૭ ડિગ્રી સેલ્સયસ સુધી પહોંચતાં રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. હવામાન વિભાગ અનુસાર આગામી ૭ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ યથાવત્ રહેવાની શકયતા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ યલો એલર્ટ જાહેર કરીને નાગરિકોને સાવધાની રાખવા અપીલ કરી છે.
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધુ તીવ્ર બની રહ્યો છે. ૨૪ એપ્રિલ, ૨૦૨૬ના રોજ રાજકોટમાં રાજ્યનું સૌથી વધુ તાપમાન ૪૨.૭ સે નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં તાપમાન આશરે ૪૧.૫° સે સુધી પહોંચી ગયું છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાન ૪૦° સેથી ઉપર જ રહ્યું છે, જેના કારણે લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ગરમીનો ખાસ કરીને વધુ પ્રભાવ જાવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ૨૬ એપ્રિલ સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ સક્રિય છે. આગામી દિવસોમાં રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૨ સે થી ૪૩ સે સુધી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આકાશ મોટાભાગે સ્વચ્છ રહેશે અને વરસાદની કોઈ શક્્યતા નથી. ગરમ પવન અને ભેજવાળી હવાના કારણે તાપમાનની અસર વધુ તીવ્ર અનુભવી શકાય છે. કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના આંતરિક વિસ્તારોમાં હીટવેવની અસર વધુ વધવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આ વખતના ઉનાળામાં ગરમી રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે. જયપુર, જાધપુર, બિકાનેર અને કોટા જેવા શહેરોમાં તાપમાન ૪૨ થી ૪૪ ડિગ્રી સેલ્સયસની વચ્ચે રહી રહ્યું છે, જેના કારણે સામાન્ય લોકોનું રોજિંદા જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે આગામી ૨ થી ૩ દિવસ માટે ગરમીનું એલર્ટ જારી કર્યું છે, જે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. આ સમયગાળા પછી ચોક્કસ વિસ્તારોમાં ધૂળના તોફાન અને હળવો વરસાદ થવાની આગાહી છે. આ ફેરફાર અચાનક આવી શકે છે, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે.










































