ગુજરાતમાં રાજકીય ગરમાવા વચ્ચે ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં એક મોટી હલચલ જાવા મળી છે. શિસ્ત માટે જાણીતી ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ આપતા જિલ્લા ભાજપ પ્રમુખે ૧૩ જેટલા હોદ્દેદારોને પક્ષમાંથી પડતા મૂક્્યા છે. આ કાર્યવાહીના સમાચાર ફેલાતા જ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય કે. પરમારે ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ગાંધીનગર ખાતે આ અંગેનો સત્તાવાર પત્ર મોકલ્યો છે. જેમાં જણાવ્યું છેકે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન આ કાર્યકરો અને હોદ્દેદારો એવી પ્રવૃત્તિઓમાં કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેનાથી પક્ષના હિતોને અને તેની પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચ્યું છે. તેથી તેમની સામે પક્ષના શિસ્તના નિયમોનું ઉલ્લંઘન કરનારા આ તમામ ૧૩ સભ્યોને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી અને તેમના તમામ હોદ્દાઓ પરથી આગામી ૬ વર્ષ માટે તાત્કાલિક અસરથી બરતરફ કરી દેવામાં આવ્યા છે.
સસ્પેન્ડ કરવામાં આવેલા સભ્યોની યાદીમાં કોડીનાર પંથકના અનેક અગ્રણીઓનો સમાવેશ થાય છે, જેમાં જેઠાભાઈ સોલંકી, સુનીલભાઈ રાઠોડ, ભીખા કાળા ગોહિલ, મહેશમોરી, મનહર મોરી અને ભરતભાઈ જેઠાભાઈ બારડના નામ મુખ્ય છે. આ ઉપરાંત તાલાલા તાલુકાના મેહુલભાઈ હરિભાઈ કારવડિયા અને દિનેશભાઈ જીણાભાઈ બારડ, પુંજાભાઈ જગમાલભાઈ બારડ, વેરાવળના અજયભાઈ લાખમણભાઈ ચારીયા, અનિલભાઈ રણસીભાઈ વાજા અને દેવદાસભાઈ મેરગભાઈ પરમારસામે પણ શિસ્તભંગના પગલાં લીધા છે.
સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામના હરિભાઈ કાનજીભાઈ ફૂલબારીયાને પણ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ કડક નિર્ણય પક્ષના પ્રદેશ નેતૃત્વના ધ્યાન હેઠળ લેવામાં આવ્યો છે આ કાર્યવાહીને પગલે જિલ્લાના અન્ય કાર્યકરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ભાજપના આક્રમક વલણથી એ સ્પષ્ટ થાય છે કે પક્ષમાં રહીને પક્ષને નુકસાન કરનારા તત્વો માટે હવે કોઈ સ્થાન નથી. અગાઉ પણ વડોદરા તેમજ મહેસાણા જીલ્લાના અનેક લોકો સસ્પેન્ડ કર્યા હતા. આગામી સમયમાં આ હકાલપટ્ટીની જિલ્લાના રાજકીય સમીકરણો પર કેવી અસર પડશે તે જાવું રહ્યું.