હાલમાં યોજાયેલી ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગત ૨૬મી એપ્રિલે મતદાન પ્રક્રિયા બાદ આજે ૨૮ એપ્રિલ ૨૦૨૬એ રાજ્યભરમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી પક્ષપલટો કરી ભાજપમાં જોડાનાર રાજુ કરપડાની જીત થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મુળી-૨ બેઠક પર રાજુ કરપડાએ ભાજપમાંથી ચૂંટણીના મેદાને ઉતર્યા હતા. જેઓની આજે ૨૫૩૩ મતની લીડથી જીત થઈ છે. ત્યારે ખેડૂતોના મસિહા ગણાતા રાજુ કરપડાની આ જીતથી જગતના તાતમાં પણ હાલ ખુશીનો માહોલ છવાયો છે.

ગુજરાતભરના ખેડૂતોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતા રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગરના રાજકારણમાં સક્રિય છે, તેઓ પહેલા આમ આદમી પાર્ટીના નેતા હતા અને થોડા સમય અગાઉ તેઓની બોટાદના હડદડ ગામે મંજૂરી વગર મહાપંચાયત યોજવા બદલ તેઓની ધરપકડ થઈ હતી. બાદમાં જેલમાંથી બહાર આવતા જ તેઓએ આપ સાથે છેડો ફાડ્યો હતો અને ગોપાલ ઈટાલિયા સહિત પક્ષના કાર્યકર્તાઓ પર ગંભીર આરોપો લગાવતા રાજકારણ ગરમાયું હતું.

ખેડૂતોના મસીહા ગણાતા રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડી ગત ૯મી એપ્રિલે ગાંધીનગર કમલમ પહોંચી ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનોની હાજરીમાં ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. રાજુ કરપડા ભાજપમાં જોડાતા લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો હતો. તેઓએ મોટી સંખ્યામાં ખેડૂતો સહિત આગેવાનોની હાજરીમાં ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો, ત્યારે પક્ષના મોટા ગજાના નેતાઓ તેમને આવકાર્યા હતા સાથે ગાંધીનગર સર્કિટ હાઉસમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીએ પણ તેમની સાથે ટૂંકી મુલાકાત કરી હતી.

રાજુ કરપડા ઘણા સમયથી સ્વતંત્ર રીતે કોઈપણ પાર્ટીમાં જાડાયા વિના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવાની વાત કરતા હતા અને તેઓએ ભાજપમાં જોડાયા બાદ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ચૂંટણીનાં મેદાને ઉતર્યા હતા. સુરેન્દ્રનગર જી.પં.ની મુળી-૨ બેઠક પર તેઓ ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા. ત્યારે હાલ ૨૫૩૩ મતની લીડથી જીત થતા આપ છોડી ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાને જનતાએ આવકાર્યા હોવાનું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે.