અમદાવાદ મહાનગર પાલિકાની હાઈ-વોલ્ટેજ ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ગુજરાત કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્ર પરથી પ્રાપ્ત વિગતો અનુસાર, અત્યાર સુધી જાહેર થયેલા ૨૧ માંથી ૧૧ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. શહેરના પશ્ચિમથી લઈને પૂર્વના વિસ્તારોમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે.
અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ભાજપે પોતાની આખી પેનલને વિજય અપાવતા પશ્ચિમ અમદાવાદના જાધપુર, વેજલપુર, થલતેજ, બોડકદેવ, નવરંગપુરા, ગોતા અને ચાંદલોડિયા જેવા વિસ્તારોમાં ક્લીન સ્વીપ કર્યું છે. આ ઉપરાંત પૂર્વ અને મધ્ય અમદાવાદના મણિનગર, સાબરમતી, ચાંદખેડા, નવા વાડજ, નિકોલ, અમરાઈવાડી, ઈસનપુર, વસ્ત્રલ, સૈજપુર બોઘા, અસારવા અને શાહીબાગમાં પણ ભાજપનો દબદબો જાવા મળ્યો છે, જ્યારે ઇન્ડિયા કોલોની વિસ્તારમાં પણ ભાજપની આખી પેનલે શાનદાર વિજય મેળવીને કેસરીયો લહેરાવ્યો છે.
પાલડી (વોર્ડ નંબર ૩૦) માં પણ ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે. અહીંથી જૈનીક વકીલ, ક્રાંતિ ગાંધી, ચેતના પટેલ અને દશરથ ઠાકોર વિજેતા જાહેર થયા છે. આ જીત સાથે પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે.
અમદાવાદના મુસ્લીમ બહુલ અને પરંપરાગત વિસ્તારોમાં કોંગ્રેસે પોતાની પકડ જાળવી રાખી છે, જેમાં બહેરામપુરા અને દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલનો વિજય થયો છે, જે સાબિત કરે છે કે આ વિસ્તારોમાં હજુ પણ કોંગ્રેસનું સંગઠન મજબૂત છે. બીજી તરફ, બાપુનગરમાં ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે, જ્યાં કુલ ૪ બેઠકોમાંથી ૩ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે, જ્યારે માત્ર ૧ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે.
ચૂંટણી વિશ્લેષકોના મતે, અમદાવાદમાં રસ્તા, પાણી, અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા સ્થાનિક વિકાસના મુદ્દાઓ પર ભાજપે જે કામ કર્યું છે, તેના પર જનતાએ મહોર લગાવી છે. બીજી તરફ, કોંગ્રેસ માટે આ પરિણામો આત્મમંથન સમાન છે, કારણ કે શહેરના મોટાભાગના હિન્દુ બહુલ વિસ્તારોમાં ભાજપે એકતરફી જીત મેળવી છે.









































