વડિયામાં આવેલ શ્રી સ્વામિનારાયણ દિવ્યધામ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજના ૨૨મા વાર્ષિક પાટોત્સવ અને અ.નિ. સ્વામી દેવકૃષ્ણદાસજી સ્મૃતિ મહોત્સવનું અત્યંત ભક્તિમય વાતાવરણમાં સમાપન થયું છે. આ પવિત્ર અવસરે ૧૮ થી ૨૪ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન સાત દિવસીય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન પ.પૂ. સ્વામી રામકૃષ્ણદાસજીની પ્રેરણાથી કરવામાં આવ્યું હતું. આ જ્ઞાનયજ્ઞમાં વક્તા તરીકે શાસ્ત્રી સ્વામી આનંદસ્વરૂપદાસજી અને શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજીએ પોતાની સરળ શૈલીમાં શ્રોતાઓને ભાગવત કથાનું અમૃતપાન કરાવ્યું હતું.મહોત્સવ દરમિયાન પોથીયાત્રા, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, રુકમણી વિવાહ અને મારૂતિ યજ્ઞ જેવા અનેકવિધ ધાર્મિક પ્રસંગોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દિવ્ય પ્રસંગે જૂનાગઢ, ગઢપુર, વડતાલ અને ભુજ જેવા વિવિધ ધામોથી પધારેલા સંતોએ ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. સમગ્ર સાત દિવસ દરમિયાન વડિયાના ગ્રામજનો અને દૂર-દૂરથી આવેલા હરિભક્તો માટે ભજન, ભોજન અને ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.






































