સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્પિટલ ખાતે તાજેતરમાં એક પ્રેરણાદાયી મુલાકાતનું આયોજન થયું હતું. ગુજરાત સરકારના પૂર્વ ગૃહમંત્રી અને ભાવનગરના વતની શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ, પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત ‘નેચર ફસ્ટ’ સંસ્થાના પ્રમુખ શ્રી એન. પી. પટેલ સાહેબ અને ગાંધીનગર સચિવાલયના નિવૃત્ત અધિકારીઓની ટીમે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં અંદાજે ૫૦ જેટલા ભાઈ-બહેનો જોડાયા હતા, જેમણે હોસ્પિટલના પ્રાંગણમાં પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે
વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ તમામ સભ્યોએ ગુરુકૃપા અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. મુલાકાતીઓએ હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવતી નિઃશુલ્ક અને ઉમદા આરોગ્યલક્ષી સેવાઓની ભારોભાર પ્રશંસા કરી હતી અને ટ્રસ્ટના સેવાકીય અભિગમથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ મુલાકાત સેવા અને પર્યાવરણ સુરક્ષાના સંગમ સમાન બની રહી હતી.










































