રાજકોટ શહેરમાં થયેલ સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. રાજકોટ વોર્ડ નંબર ૨માં કોંગ્રેસની પેનલને હારનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.

નયનાબા જાડેજા કોંગ્રેસ તરફથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ મતદાતાઓએ તેમને સમર્થન આપ્યું નથી. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ નયનાબાએ ખુદ કોંગ્રેસના સંગઠન પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે પાર્ટીના સ્થાનિક નેતાઓએ યોગ્ય સહકાર આપ્યો નહોતો અને ઘણા નેતાઓ “ઘરે બેસી રહ્યા” જેના કારણે હારનો સામનો કરવો પડ્યો. તેમણે વધુમાં કહ્યું કે જો સંગઠન મજબૂત હોત અને કાર્યકરો સક્રિય રીતે મેદાનમાં કામ કરતા, તો પરિણામ અલગ આવી શકત. આ નિવેદનથી કોંગ્રેસના આંતરિક મતભેદો ખુલ્લા પડ્યા છે. રાજકોટમાં કોંગ્રેસની સ્થિતિને લઈને હવે ચર્ચા વધુ તેજ બની છે. જા કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હાર કોંગ્રેસ માટે ચેતવણી સમાન છે. સંગઠનના સ્તરે એકતા અને કાર્યકરોની સક્રિયતા વધારવાની જરૂરિયાત સ્પષ્ટ થઈ છે. આગામી ચૂંટણી પહેલા કોંગ્રેસને પોતાની વ્યૂહરચનામાં ફેરફાર કરવાની જરૂર પડશે.

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અન્ય એક કોંગ્રેસના ઉમેદવારને પણ હારનો સામનો કરવો પડ્યો છે. શહેરના જાણીતા રેડિયો જાકી આભા દેસાઈને વોર્ડ નંબર ૧૦માંથી હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ અહીં ભારતીય જનતા પાર્ટીની પેનલે જીત મેળવી છે. આભા દેસાઈ શહેરમાં જાણીતા આરજે તરીકે ઓળખાય છે અને ઘણા વર્ષોથી તેઓ રેડિયો દ્વારા લોકો સાથે જોડાયેલા રહ્યા છે. તેમની ઓળખ માત્ર રેડિયો પૂરતી સીમિત નથી, પરંતુ સોશિયલ મીડિયા પર પણ તેઓ ખૂબ જ લોકપ્રિય છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર તેમના ૩ લાખથી વધુ ફોલોઅર્સ છે, જે તેમના પ્રભાવને દર્શાવે છે.

ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવ્યા બાદ તેઓ ખાસ ચર્ચામાં રહ્યા હતા. પરંપરાગત રાજકીય ચહેરાઓ વચ્ચે એક નવો અને યુવા ચહેરો તરીકે તેમણે ચૂંટણી લડી હતી. તેમણે પોતાનો અભિગમ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, તેઓ છેલ્લા ૧૫ વર્ષથી લોકો સાથે સીધો સંવાદ કરતા આવ્યા છે અને હવે રાજકારણમાં આવીને લોકોની સમસ્યાઓનો સીધો ઉકેલ લાવવા માંગે છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે રાજકોટ શહેરની કેટલીક મુખ્ય સમસ્યાઓને ખાસ ઉઠાવી હતી. તેમણે જણાવ્યું હતું કે શહેરમાં રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે, જેના કારણે લોકોને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ પડે છે. ખાડા અને ખરાબ રસ્તાઓના કારણે લોકોમાં કમર અને સ્પાઇન સંબંધિત તકલીફો વધી રહી છે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં પાણીની અછત પણ એક મોટો મુદ્દો છે. જે અંગે લોકોમાં અસંતોષ જોવા મળે છે.