સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જાય છે. મુળી તાલુકાના માનપર ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું, જે ચૂંટણી પૂર્વે મહત્વપૂર્ણ રાજકીય સંકેતો આપતું મંચ બની રહ્યું. મહાસંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવામાં આવી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં રાજકીય ચકચાર મચી છે.આ કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
પોતાના સંબોધનમાં ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે ભાજપે પોતાના જ કાર્યકરો સાથે અન્યાય કર્યો છે અને ટિકિટ વહેંચણીમાં પક્ષપાત કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે માત્ર એક જ સમાજના મતોથી કોઈ ચૂંટણી જીતી શકાતી નથી, તેથી તમામ સમાજના લોકો એકતા દાખવે તે જરૂરી છે.
ગેનીબેન ઠાકોરે મુળી-૦૨ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પનારાને જીતાડવા માટે ખુલ્લું આહવાન કર્યું. તેમણે જણાવ્યું કે ભાજપના ઉમેદવાર રાજુ કરપડાને હરાવવા માટે સમાજે એકજૂટ થવું પડશે. સાથે જ તેમણે કાર્યકરોને સંગઠિત રહીને કોંગ્રેસના તમામ ઉમેદવારોને જીતાડવા માટે મહેનત કરવાની અપીલ કરી.
આ સાથે જ તેમણે ભાજપ અને વહીવટી તંત્ર પર પણ નિશાન સાધ્યું. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના ઉમેદવારને હેરાન કરવાનો પ્રયાસ ન થવો જાઈએ અને ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રીતે યોજાય તે માટે પોલીસ તંત્રને પણ અપીલ કરી. ગેનીબેન ઠાકોરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારો સાથે મજબૂતીથી ઉભી છે અને કોળી ઠાકોર સમાજનો તેમને પૂરતો સહકાર મળશે.
મહાસંમેલનમાં સમાજની એકતા સ્પષ્ટ રીતે જાવા મળી. મોટી સંખ્યામાં લોકોની હાજરી એ દર્શાવે છે કે સમાજ ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા તૈયાર છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરીને સમાજના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની અપીલ કરવામાં આવી. આ મહાસંમેલન માત્ર સામાજિક કાર્યક્રમ નહીં પરંતુ આવનારી ચૂંટણી માટે દિશા નક્કી કરતું મહત્વપૂર્ણ રાજકીય મંચ બની રહ્યું છે, જેના પ્રભાવ ચૂંટણી પરિણામોમાં પણ જાવા મળી શકે છે.