મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે આશીર્વાદ સમાન ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન’ની ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક જાગૃત નાગરિકની જાણકારી બાદ કાઉન્સિલર પૂનમ ભૂવા અને ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં એક છ મહિનાની ગર્ભવતી મહિલા નિરાધાર હાલતમાં મળી આવી હતી. મહિલાએ જણાવ્યું કે તે મૂળ રાજસ્થાનની વતની છે અને તેના પતિએ અન્ય મહિલા સાથે સબંધ હોવાથી તેને તરછોડી દીધી હતી. ત્રણ વર્ષનું બાળક અને ગર્ભવતી અવસ્થામાં હોવા છતાં તેની પાસે કોઈનો સંપર્ક નંબર નહોતો. અભયમની ટીમે કુનેહપૂર્વક મહિલાના વતનના સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેના ભાઈને શોધી કાઢ્યો હતો. ટીમ દ્વારા કરવામાં આવેલા સચોટ કાઉન્સિલિંગ બાદ મહિલાનો ભાઈ તેને તેડી જવા સહમત થયો હતો. હાલ સુરક્ષાના ભાગરૂપે મહિલા અને તેના બાળકને ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. આમ, અભયમની ટીમે એક વિખૂટા પડેલા પરિવારને જોડીને પ્રશંસનીય કામગીરી કરી છે.










































