અમરેલીની સારથી નાગરિક શરાફી સહકારી મંડળીમાંથી લોન લીધા બાદ તેના હપ્તા ન ભરનાર અને અપૂરતા બેલેન્સનો ચેક આપનાર આરોપી મુસ્તાકભાઈ અલમ્મીયાભાઈ કાજીને અમરેલીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજે કડક સજા ફટકારી છે. આ કેસની વિગત મુજબ આરોપીએ મંડળીમાંથી એક લાખ રૂપિયાની લોન મેળવી હતી પરંતુ તેની ચુકવણીમાં નિષ્ફળ રહેતા મંડળીની જાણ બાદ રૂપિયા ૯૫,૭૦૨નો ચેક આપ્યો હતો જે બેંકમાં પરત ફર્યો હતો. આ બાબતે મંડળીના એડવોકેટ ચંદ્રેશ બી. મહેતા અને અશોક બી. વાળાએ કોર્ટમાં ધારદાર દલીલો અને સચોટ પુરાવા રજૂ કર્યા હતા જેને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા તેમજ ચેકની રકમ મુજબનું વળતર મંડળીને ચૂકવવાનો મહત્વનો આદેશ કર્યો છે. આ કડક ચુકાદાથી લોન લઈને નાણાં ન ભરનારા તત્વોમાં ભારે ફડફડાટ ફેલાયો છે.