અમરેલી જિલ્લાના લીલીયા મોટા ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકાસ સંકલ્પ સભા’ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં અમરેલી કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રમેશભાઈ પરમાર અને તાલુકા પંચાયત ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન જીવરાજભાઈ પરમાર સહિત ૧૦૦ જેટલા સમર્થકો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ અધ્યક્ષે તમામ નવા સભ્યોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ પ્રસંગે ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને સિદ્ધિઓ વર્ણવી હતો. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરવામાં આવી હતીકાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ અમરેલી જિલ્લાની પ્રથમ મુલાકાતે આવેલ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું શબ્દોથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.આ તકે ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, ભનુભાઈ ડાભી, અરૂણભાઇ પટેલ સહિતના અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભુપેન્દ્રભાઈ બસિયા અને કેતન ઢાંકેચા દ્વારા કરવામાં આવ્યું હતું.









































